Breaking News

ડોકટર ભૂપેશ શાહ અને તેમની પ્રતિબદ્ધ ટીમે લોકડાઉનમાં
જાનના જોખમે આશરે 30 લાખ ગરીબો-શ્રમિકોને જમાડ્યા

લોકડાઉનમાં અમદાવાદમાં સાૈથી વધુ સેવાકાર્ય કઈ વ્યક્તિએ કર્યું એવો
કોઈ મને પ્રશ્ન કરે તો હું જવાબ આપુંઃ ડો. ભૂપેશ શાહ

આવો આજે એક એવી વ્યક્તિનો પરિચય કરીએ જેમણે માનવતાને વધુ ઉજળી કરી. કોરોનાગ્રસ્ત લોકડાઉનના કપરા સમયકાળમાં લોકો ઘરની બહાર નીકળતાં (સાવ સાચી જ રીતે) ફફડતા હતા ત્યાં એક ડોકટર સાહેબ શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી ફરીને ભૂખ્યાજનોના જઠરાગિને શાંત કરતા હતા. બન્ને હાથે સલામ કરવાનું મન થાય તેવી મંગલમય અને કલ્યાણકારી ગાથા છે તેમની…

કોરાનાગ્રસ્ત સ્થિતિની વાત કરીએ તો તેમણે 25મી માર્ચ 2020થી 31મી મે, 2020 સુધી ડોકટર સાહેબ અને તેમની ટીમે શહેરમાં 30 લાખથી વધુ લોકોને જમાડી છે. દિવસ-રાત બસ આ જ કામ કરાયું છે. ગરીબો, શ્રમિકો, જરૂરિયાતમંદોને તેમણે સામે જઈને, તેના સુધી પહોંચીને, પૂરા સન્માન સાથે, ભાવથી જમાડ્યા છે. શ્રમિકોનું જ્યારે સ્થળાંતર થતું હતું ત્યારે શહેરમાં કુલ સાત જગ્યાએ 14 દિવસ સુધી દરરોજ 30થી 35 હજાર લોકોને તેમણે જમાડ્યા છે. પંદર વાહનોમાં તેઓ જમવાનું લઈ જતા હતા. ડો. ભૂપેશ શાહનું સંકલન અને સંયોજન એકદમ ચુસ્ત. બસમાં બેઠેલા શ્રમિકોને બસની નીચે ઉતરવું ના પડે એ રીતે ફૂડ પેકેટ આપવામાં આવે. પાણીની પણ યોગ્ય રીતે સગવડ કરેલી જ હોય.

જીએમડીસીના મેદાનમાં રોકાયેલા શ્રમિકો હોય કે પછી પોલીસ સ્ટેડિયમમાં રાત્રિનિવાસ કરતા ગરીબો હોય, ડો.ભૂપેશ શાહ પર ફોન આવે કે તેમની ટીમ વાહન અને જમવાની સામગ્રી સાથે તરત જ ત્યાં પહોંચી જાય. સદ્કાર્યમાં સહેજે મોડું કે મોળું નહીં કરવાનું. અરે, ઘણી વાર તો રાત્રે બે-ત્રણ વાગ્યા સુધી પણ શ્રમિકો કે ગરીબોને જમાડવાનું ચાલતું હતું.

સળંગ એવા અનેક દિવસો હતા કે આ ટીમ વિવિધ સંસ્થાઓના સહયોગથી શહેરમાં એક લાખ લોકોને જમાડતી હતી. અજબની લાગે તેવી આ ગજબની વાત છે, પણ સાવ સાચી વાત છે. તમે જો ડો.ભૂપેશભાઈને જુઓ, તેમની ભાવના, સમાજનિષ્ઠા, પ્રતિબદ્ધતા અને સંકલન શક્તિ જુઓ કે આ માણસ તો કરોડો લોકોને જમાડી શકે તેવો સક્ષમ છે. ડોકટર સાહેબે પોતાની કારકિર્દીમાં સેંકડો લોકોનાં હૃદય ધબકતાં રાખ્યાં-કર્યાં હશે, પણ લાખો-કરોડો લોકોની જઠરાગ્નિને શાંત કરવાનું પુણ્ય કાર્ય પણ તેમણે કર્યું છે..

ડોકટર સાહેબની આગેવાની-નિગરાનીમાં 35,000 કીટ (અનાજ-કઠોળ-ચોખા-તેલ વગેરેની) શહેરના વિવિધ વિભાગોમાં પહોંચાડાઈ હતી. આશરે 450 ટન માલ લાવવાનો, તેની કીટ્સ બનાવવાની અને સલામતી સચવાય એ રીતે જરૂરિયાતમંદોને પહોંચતી કરવાની. વળી, આ કામ જાનના જોખમે કરવાનું. ડો. ભૂપેશભાઈ શાહ અને તેમની 70થી 100 વ્યક્તિની ટીમે લગાતાર આ કામ કર્યું. આ બધા સમાજસેવકો દરરોજ 15-18 કલાક કામ કરતા હતા. બધાને એક જ દેખાય છેઃ ભૂખ્યો માણસ. એક જ ધૂન, વધુને વધુ ભૂખ્યા લોકો સુધી પહોંચીએ અને તેનું પેટ ઠારીએ. આ બધા પોતાના કામમાં એટલા મગ્ન થઈ જતા હતા કે ક્યારેક તો તેઓ ભૂલી જ જતા હતા કે કોરાના જેવું કોઈ વાયરસ આવ્યું છે. સદ્કર્મમાં માણસ ઓગળી જાય ત્યારે આવું પણ બને…

ડો. ભૂપેશભાઈ અને તેમની પ્રતિબદ્ધ ટીમ દ્વારા શહેરમાં 25 સ્થળે ખીચડી ઘર પણ ચાલતાં હતાં. દરરોજ 12 હજારથી વધુ વ્યક્તિ તેમાં જમતી. આ ઉપક્રમમાં સ્થાનિક લોકોનો સહયોગ લેવાતો. જે તે સ્થળે સ્થાનિક લોકો પોતાની અનુકૂળતા અને ક્ષમતા પ્રમાણે ખીચડી-કઢી, પૂરી-શાક, પુલાવ વગેરે આપતા. ભૂપેશભાઈની ટીમ નિકોલ, નરોડા, રખિયાલ, વટવા, ઓઢવ એમ જુદા જુદા વિસ્તારોમાં દોડ્યા જ કરતી. તેઓ દરરોજ સેંકડો ફૂડપેકેટ્સ પણ વહેંચતાં.

દરેક વ્યક્તિને જેના માટે ગાૈરવ થાય, માનવતા જેના નામે ઉજળી થાય તેવું કાર્ય કરનારા આ માણસનું નામ છે ડો. ભૂપેશભાઈ શાહ. પાલડીમાં તેમની હોસ્પિટલ છે. તેઓ હૃદયરોગના નામાંકિત નિષ્ણાત તબીબ છે. લોકોનાં હૃદય સાજાં કરે છે એ તો ખરું, પણ તેમના પોતાના હૃદયમાં સમાજ માટે અખૂટ પ્રેમ અને ભલાઈ ભરેલાં છે. મૂળ તો તેઓ મુંબઈના. 1998માં અમદાવાદ આવ્યા. તેમનાં ધર્મપત્ની રૂપલબહેન પણ ડોકટર છે. સને 2004માં ભૂપેનભાઈએ સંકલ્પ કર્યો કે ઘરમાં એકપણ પૈસો અણહક્કનો, ભૂલેચૂકે પણ ના આવવો જોઈએ. એ જ વર્ષે તેમણે અપરિગ્રહનું વ્રત પણ લીધું. સામાજિક સેવા કરવાની ભાવના તો હતી જ, એ ભાવનામાં ગતિ આવી. તેઓ અમદાવાદ શહેરની વીસેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શહેરમાં કોઈ પણ આપત્તિ આવે કે જરૂરિયાત ઊભી થાય, ડો. ભૂપેશ શાહ ખડે પગે અને ભરેલા હૃદયે કાયમ હાજર જ હોય. તેમણે કરેલાં સેવાકીય કાર્યોની વિગતવાર નોંધ કરીએ તો એક પુસ્તિકા જ કરવી પડે.

ડો. ભૂપેશભાઈ શાહની પોતાની હોસ્પિટલ હોવા ઉપરાંત તેઓ શહેરની જાણીતી સાલ હોસ્પિટલ સાથે પણ સંકળાયેલા છે. શહેરના નામાંકિત કાર્ડિયાક હોવાના નાતે તેમની સેવાની સતત માગ રહે છે. તેમનાં જીવનસાથી રૂપલબહેન સ્ત્રી રોગનાં નિષ્ણાત છે.

ભૂપેશભાઈના સાથીદાર અને નજીકના એક મિત્ર નિરવભાઈ શાહ કહે છે કે હું ત્રણેક વર્ષથી તેમના પરિચયમાં આવ્યો છું. તેઓ અનોખી રીતે અને અનેક રીતે સામાજિક કાર્યો કરે છે. 2004થી તેઓ પોતે નક્કી કરેલી રકમની ઉપરની તમામ રકમ સમાજસેવામાં આપી દે છે. આ રકમ લાખોમાં હોય છે. આદિવાસી વિસ્તારોમાં પણ તેઓ કાર્ય કરી રહ્યા છે. તેઓ સમાજની તન-મન-ધનથી સેવા કરે છે. પોતે કમાયેલા પૈસા આપે, પોતે જાતે સમાજ માટે દોડીને કામ પણ કરે. ડો. ભૂપેશભાઈની વિશેષતા એ છે કે તેઓ કોઈ કામને નાનું ગણતા જ નથી. કોઈ મોભો નહીં કે કોઈ માનની અપેક્ષા નહીં. જરૂર પડે તો કચરો પણ વાળે અને જાતે સામાન ઉપાડીને ગરીબના ઘરમાં મૂકી આપે. સમગ્ર ગુજરાતમાં સેવાભાવી ડોકટરોનું તેમનું મોટું જૂથ છે. તેઓ ઘસાઈને ઉજળા થાય છે. કોઈ પણ સંબંધને અણમોલ માને. પૈસા કરતાં પ્રેમને વધારે માને.

ભૂપેનભાઈ કહે છે..ગરીબો અને શ્રમિકોની સ્થિતિ દારૂણ હતી. પર-પ્રાંતના અમદાવાદમાં રહી પડેલા 15-20 ટકા લોકો તકલીફમાં હતા. તેમને સરકાર તરફથી રાશન મળ્યું હોય પણ ઈંધણનો પ્રશ્ન હોય. કેરોસીન-ગેસ ના મળે. રસોઈ બનાવવાની સમસ્યા થાય. હાઈજીનનો પ્રશ્ન તો ખરો જ. ક્યાંક કામ કરે તેવા માણસો ના હોય.. આમ છતાં શહેરની અનેક સમાજસેવી સંસ્થાઓ, સલામતીના તમામ માપદંડોને જાળવીને હજારો લોકોને દિવસ-રાત જમાડતી હતી.

તેમના સાથીદારો નિરવ શાહ અને પિન્કેશભાઈ કહે છે કે ડોકટર સાહેબનું ડેડિકેશન જોઈને કોઈ પણ વ્યક્તિ પ્રભાવિત થઈ જાય. પતિ-પત્ની બન્ને એકદમ સાદાં અને પરગજુ. જાણે કે સમાજ માટે જ નિર્માયાં હોય તેવાં. બન્ને જણ જાતે કામ કરીને ટીમને પ્રેરણા આપે. ડોકટર સાહેબ સામાન ઉપાડીને જાતે ટેમ્પોમાં ભરે અને ડો. રૂપલબહેન ફૂડ પેકેટ પૂરી બનાવવાની હોય તો લોટ બાંધતાં હોય. આવું સમાજસેવી દમ્પતિ ભાગ્યે જ ક્યાંય જોવા મળે ! તેમને હીતાર્થ નામનો દીકરો છે જે નવમા ધોરણમાં ભણી રહ્યો છે.

ડો. ભૂપેશભાઈની પ્રતિબદ્ધતાનું એક ઉદાહરણ જોઈએ.

આઠમી મે, 2020, તિથિ વૈશાખ વદ – એકમની વહેલી સવારે પૂ.સાધ્વીજી મ.સા.ભદ્રકીર્તિશ્રીજી કાળધર્મ પામ્યાં તેનો સંદેશ શ્રી પીપરડીની પોળ પંચના એક ટ્રસ્ટીના ફોન પર આવ્યો. ટ્રસ્ટી પોતે પરા વિસ્તારમાં રહેતા હોવાથી તેમણે અન્ય સ્થાનિકોનો સંપર્ક કર્યો, પરંતુ સ્થાનિકોએ કોરોનાના ડરથી લાચારી દર્શાવી. ત્યારે ટ્રસ્ટીએ અન્ય જૈન યુવાઓના સંગઠનનો સંપર્ક કર્યો તેમાં પણ નિરાશા જ મળી. કારણઃ કોરોના.

આ સમયે ટ્રસ્ટીને ડો.ભુપેશભાઈ ડી.શાહનું નામ યાદ આવ્યું. તેમણે ડો.ભુપેશભાઈને ફોન કર્યો, ત્યારે ડો. સાહેબે એ ટ્રસ્ટીને કોઈ જ જાતની ચિતા નહીં કરવાનું કહ્યું અને પોતે જાતે રિલીફ રોડ જવા તૈયાર થઈ ગયા. રિલીફરોડ જઈને તેમણે જરૂરી તપાસ કરીને યોગ્ય સર્ટીફીકેટ ઇસ્યુ કર્યું. શાંતિનાથની પોળમાં સ્થિર અન્ય સાધ્વીજી મ.સા.એ યોગ્ય અંતિમ વિધિ પૂર્ણ કરી હતી.

ડો.ભુપેશભાઈએ સ્વખર્ચે સંપૂર્ણ સાંજ-ખાંપણની સામગ્રી ઘી અને સુખડનાં કાષ્ટની પણ વ્યવસ્થા કરી.જ્યારે સાધ્વીજી મ.સા.ના નશ્વર દેહ માટે શબવાહિની ના મળી તો પાર્થિવ દેહને નનામી બાંધ્યા વગર પોતાની અંગત ગાડીમાં તેઓ જમાલપુર સ્મશાન ગૃહ લઇ ગયા અને અંતિમ વિધિ પૂર્ણ કરી હતી.
***
કોરોનાગ્રસ્ત કપરા, વિકટ અને જોખમી સમયમાં ગરીબો અને શ્રમિકોનાં પેટ ઠારતાં ડો. ભૂપેશભાઈ અને રૂપલબહેન શાહ તથા તેમની સમગ્ર ટીમને અભિનંદન. ભગવાન તેમને નિરામય દીર્ઘાયુ આપે.

(ડો. ભૂપેશ શાહનો સંપર્ક નંબરઃ 98250 73465, નિરવ શાહનો સંપર્ક નંબરઃ 98250 13338 છે.)

Hits: 153

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?