Breaking News

વડોદરામાં રેલવેના ડબ્બાને આઇસોલેશન ઓન વ્હીલ્સ માં ફેરવાયા.. જૂઓ તસવીરો

વડોદરામાં કોરોના સંકટમાં સહાયક બનવાના રેલવે તંત્રનું વ્યાપક આયોજન પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર…


ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે રેલવે હોસ્પિટલમાં કોરોના સારવારની વ્યવસ્થા નિહાળી અને રેલવે ના ડબ્બામાં બનાવવામાં આવેલા આઇસોલેસન વોર્ડ ઓન વ્હિલનું નિરીક્ષણ કર્યું…
વડોદરામાં રેલવે તંત્રે રેલગાડીના 15 ડબ્બાને કોરોના શંકાસ્પદ અને અસરગ્રસ્તોને અલાયદા રાખીને સારવાર આપી શકાય એવા અનોખા,અને એક પ્રકારે આઇસોલેશન વોર્ડ ઓન વ્હીલ નું નિર્માણ કર્યું છે.તેની સાથે નવી બનેલી બુલેટ ટ્રેન હોસ્ટેલમાં કોરોના સારવાર સુવિધા અને રેલવે ની વડોદરા હોસ્પિટલમાં તજજ્ઞ સારવારની સુવિધા ઉભી કરી આરોગ્ય તંત્રને ઉમદા સહયોગ આપ્યો છે.
વડોદરા ખાતે હાલ કોરોના સંકટને અનુલક્ષીને ખાસ ફરજ પરના અધિકારી તરીકે સતત કાર્યરત શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આ તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું તથા જરૂરિયાતના સમયે તંત્ર સાથે સંકલનમાં તેનો અસરગ્રસ્તો ની જીવન રક્ષા માટે શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરી શકાય એનો વિચાર વિમર્શ રેલવેના અધિકારીઓ સાથે કર્યો હતો.
વડોદરામાં કોરોના સંકટને પહોંચી વળવા માટે રેલવે તંત્રનું વ્યાપક આયોજન પ્રશંસનીય અને ધન્યવાદને પાત્ર છે એવી લાગણી વ્યક્ત કરવાની સાથે ડો.વિનોદ રાવે જણાવ્યું કે રાજ્ય સરકારે કોરોના ને અનુલક્ષીને વડોદરામાં ટેસ્ટ અને સારવાર, આઇસોલેશનનું ખૂબ વ્યાપક આયોજન હાથ ધર્યું છે.
તેના ભાગરૂપે ગોત્રી જી.એમ ઇ.આર.એસ.ખાતે અદ્યતન સારવાર સુવિધાઓ સાથે 250 પથારી ની ખાસ હોસ્પિટલ ચાલુ કરી છે જે જરૂર પડે તો 500 પથારી સુધી વિસ્તારી શકાશે.આ ઉપરાંત નજીકના કામદાર રાજ્ય વીમા યોજના દવાખાનામાં પણ 200 પથારીની આઇસોલેશન સુવિધાઓનું આયોજન છે.
પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે હાઈ સ્પીડ રેલવે નેટવર્કનાં સહયોગ થી નવી બનાવેલી બુલેટ ટ્રેન હોસ્ટેલમાં 300 પથારીના આઇસોલેશન વોર્ડનું સુવિધાઓ સાથે આયોજન કર્યું છે.
આ ઉપરાંત પ્રતાપનગર ખાતે આવેલી રેલવે હોસ્પિટલમાં 8 બેડના આઇસીયુ સહિત 50 પથારીની વિશેષ સારવાર સુવિધા ઊભી કરી છે.
રેલવે ટ્રેનની 15 બોગીને દવાખાના જેવી સુવિધામાં ફેરવી છે અને તે પ્રત્યેક બોગીમાં 8 દર્દીની સાથે 1 તબીબ અને 1 આરોગ્ય કર્મી રહી શકશે.મેકેનીકલ વિભાગે આવા 38 ડબ્બા તૈયાર કરવાની રૂપરેખા બનાવી છે.આ તમામ પૂર્વ તૈયારીઑ જરૂરિયાતના સમયે ખૂબ જ ઉપયોગી બનશે.આ વિશેષ રેલવે અત્યારે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 6 ખાતે રાખવામાં આવી છે.જરૂર પડ્યે તેમાં રાખવામાં આવેલા દર્દીનું સરળ પરિવહન થઈ શકે,દર્દી વાહિની આ કોચ સુધી પહોંચી શકે એની અનુકૂળતા પ્રમાણે તેને રાખવામાં આવશે.
આ મુલાકાત અને નિરીક્ષણ સમયે મ્યુનિસિપલ કમિશનર શ્રી નલીનભાઇ ઉપાધ્યાય અને રેલવે ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Hits: 65

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?