મંગળવારે રાજ્ય સરકારના મંત્રી ગણપત વસાવા (Ganpat Vasava)એ જાહેરાત કરતા લૉકડાઉનમાં ફસાયેલા લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ શકાશે તેમ કહ્યું હતું. જોકે, આ માટે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત અમુક નિયમોનું પણ પાલન કરવું પડશે. લૉકડાઉન (Lockdown)ને કારણે હાલ રાજ્યના લોકો એક જિલ્લામાંથી બીજા જિલ્લા (Inter District Transportation)માં જઈ શકતા નથી. અમુક કેસમાં મંજૂરી સાથે જવાની છૂટ આપવામાં આવે છે. પરંતુ લૉકડાઉનને કારણે મોટી સંખ્યામાં મજૂરો કે નોકરી માટે બીજા શહેરમાં ગયેલા લોકો ફસાયા છે.
સૌથી વધારે ખરાબ હાલત સુરતમાં રત્નકલાકારો (Surat Diamond Workers)ની છે. સુરતમાં પરપ્રાંતીય મજૂરો (Migrant Workers)ને તેમના વતન જવા દેવાની છૂટ આપવામાં આવ્યા બાદ રત્નકલાકારો વતન જવા દેવાની ઉગ્ર માંગણી કરી રહ્યા છે. જેના અનુસંધાને સોમવારે આરોગ્ય મંત્રી કિશોર કાનાણી (Kishor Kanani)એ જાહેરાત કરી હતી કે સરકાર તરફથી આ અંગેની છૂટ આપવામાં આવી છે, પરંતુ રત્નકલાકારો કેવી રીતે જઈ શકશે તે અંગે વિગતે ચર્ચા માટે મંગળવારે બેઠક થશે.
Hits: 708