કોરોના સંકટ વચ્ચે એક ખૂબ જ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક બાળક સતત 15 દિવસ સુધી કોરોના સંક્રમિત માતા-પિતા સાથે રહ્યું તેમ છતા તેનો દરેક રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પંજાબના ગુરદાસપુર જિલ્લામાં આવેલી સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સ આ કેસ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ બાળક છેલ્લા 15 દિવસથી આઈસોલેશન વોર્ડમાં પોતાના માતા-પિતા અને અન્ય સંક્રમિત લોકો સાથે છે.
બાળક તેના પરિવાર સાથે શ્રી હજૂર સાહિબ ખાતેથી પરત આવ્યું હતું અને તેના માતા-પિતા સહિત પરિવારના ચાર સદસ્ય કોરોના સંક્રમિત આવ્યા હતા. પ્રશાસને બાળકના માતા-પિતાને તેને અલગ રાખવા જણાવ્યું હતું પરંતુ પરિવાર કે બાળક એક-બીજાથી દૂર રહેવા તૈયાર ન થતા તેને આઈસોલેશન વોર્ડમાં રહેવા દેવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રશાસને બાળકના બે વખત ટેસ્ટ કર્યા હતા અને બંને વખત તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
આ બાળક પોતાની માતા સાથે જ સૂતુ હતું અને તેના સાથે જ ભોજન કરતું હતું. જે વોર્ડમાં તેમને રાખવામાં આવેલા ત્યાં આશરે 10 જેટલા કોરોના પોઝિટિવ દર્દીઓ હતા તેમ છતા બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આઈસોલેશન વોર્ડમાં તેઓ દરેક સમયે માસ્ક પહેરી રાખતા હતા. જાણકારોના કહેવા પ્રમાણે બાળકની રોગપ્રતિકારક શક્તિની તપાસ કરવી જરૂરી છે કારણ કે, બની શકે તેનાથી કોઈ નવી જાણકારી મળી શકે.
નવ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા
ગુરૂવારે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયેલા કુલ નવ પોઝિટિવ દર્દીઓનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તેમને રજા આપી દેવાઈ હતી. સાજા થયેલા દર્દીઓમાં શ્રદ્ધાળુઓ અને ડ્રાઈવર સામેલ હતા જ્યારે એક દર્દી ગુરદાસપુરના સંત નગરનો સમાજસેવક છે. ઘરે પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓએ જિલ્લા પ્રશાસનની સમગ્ર ટીમનો આભાર માન્યો હતો અને પોતાની તમામ સુખ-સુવિધાનું ધ્યાન રખાયું હોવાનું જણાવ્યું હતું.
Hits: 190