ગુજરાતમાં પેટાચૂંટણીને લઈ સૌપ્રથમ ભાજપ દ્વારા ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે. જેને લઈ ભાજપની અંદર કોંગ્રેસથી રાજીનામું આપીને આવેલાં ધારાસભ્યો અને પાયાનાં કાર્યકરો વચ્ચે ખેંચતાણ ચાલતી હતી. જેને લઈ પ્રદેશ ભાજપ પ્રમુખ ઉમેદવારોનું લિસ્ટ લઈને દિલ્હી હાઈકમાન્ડ પાસે પહોંચ્યા હતા. જ્યાં મોડી રાત સુધી ચર્ચા બાદ ભાજપ દ્વારા આજે બપોરે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરાયું હતું. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા સાત બેઠકો પરથી જ ઉમેદવારોનાં નામ જાહેર કરાયા હતા. લીંબડી બેઠક પરથી ભાજપ દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરાયું ન હતું.
જાણો કઈ બેઠક પર કયા ઉમેદવારનું નામ જાહેર થયું:
- ધારી બેઠક પરથી જે. વી. કાકડીયા
- ગઢડાથી આત્મારામ પરમાર
- અબડાસાથી પદ્યુમનસિંહ જાડેજા
- મોરબીથી બ્રિજેશ મેરજા
- કપરાડાથી જીતુ ચૌધરી
- ડાંગથી વિજય પટેલ
- કરજણથી અક્ષય પટેલ
પીએમ મોદી-અમિત શાહ સાથે સીઆર પાટીલે કરી હતી બેઠક
દિલ્હીમાં શનિવારે સાંજે વિધાનસભા ચૂંટણીઓમાં ઉમેદવારોના નામો નક્કી કરવા રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે. પી. નડ્ડાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહિતની ઉપસ્થિતિમાં ગુજરાતમાં પેટા ચૂંટણી આઠ બેઠકો માટે ઉમેદવારોના નામો પર ચર્ચા થઈ હતી.
3 પેરાશૂટ ઉમેદવારોએ લિસ્ટ જાહેર થાય તે પહેલાં જ ફોર્મ ભરવાની તારીખોનું કર્યું હતું એલાન
ઉલ્લેખનીય છે કે ભાજપ સત્તાવાર યાદી જાહેર કરે તે પહેલાં જ કોંગ્રેસમાંથી રાજીનામું મૂકીને ભાજપમાં આવેલા ત્રણ પૂર્વ ધારાસભ્યોએ પેટા ચૂંટણીમાં કમળના મેન્ડેટ સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની તારીખો મીડિયા સમક્ષ જાહેર કરી હતી. કપરાડા બેઠક ઉપર જીતુ ચૌધરીએ 12 ઓક્ટોબરને સોમવારે, અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજાએ 13 ઓક્ટોબરને મંગળવારે જ્યારે ધારી વિધાનસભા મતક્ષેત્ર માટે જે.વી.કાકડિયાએ 15 ઓક્ટોબરને ગુરુવારે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું જાહેર કર્યું હતું.
Hits: 71