ગુજરાતની અસ્મિતા’ શબ્દપ્રયોગ સાથે જેમનું અભિન્નપણે સંકળાઇ ચૂક્યું છે, તે કનૈયાલાલ મુનશી મહાગુજરાતના આંદોલન વખતે સામેની છાવણીમાં રહ્યા. ૧૯૪૮માં તેમની આગેવાની હેઠળ ભરાયેલા મહાગુજરાત સંમેલનમાં ગુજરાતી બોલતી સમસ્ત પ્રજાનું એકીકરણ કરવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો,પણ ૧૯૫૬માં ઉત્તર પ્રદેશના કોંગ્રેસી રાજ્યપાલ મુનશીએ મુંબઇ પણ ગુજરાતમાં હોવું જોઇએ એવી અવ્યવહારૂ લાગણીથી દોરાઇને, છેક ૧૯૫૨માં મુંબઇ વગરનું ગુજરાત માગતી ‘મહાગુજરાત જનતાપરિષદ’નો વિરોધ કર્યો.
અમદાવાદમાં લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલું ‘ભાઇકાકા ભવન’ જેમના નામે છે તે ભાઇલાલભાઇ પટેલ (ભાઇકાકા) વલ્લભ વિદ્યાનગરના સ્થાપક તરીકે જાણીતા છે, પણ મહાગુજરાત આંદોલનમાં તેમની ભૂમિકા વિશે ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. મહાગુજરાતના નાયક ઈંદુલાલ યાજ્ઞિકે આત્મકથામાં લખ્યું છે કે‘મહાગુજરાતના નવા આંદોલનની પહેલી ઘડીથી તે છેવટે સન ૧૯૬૦માં ગુજરાતના જુદા રાજ્યનીસ્થાપના થઇ ત્યાં સુધી તે (ભાઇકાકા) મારા સર્વોત્કૃષ્ટ સલાહકાર રહ્યા.’ મહાગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે સુમેળ સાધવામાં અને વહીવટી કુનેહથી મતભેદો ઉકેલવામાં ભાઇકાકાએ મહત્ત્વની ભૂમિકા ભજવી.
મહાગુજરાતની માગણીને છેક ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદે ઠરાવ દ્વારા ટેકો આપ્યો હતો. મોરારજી દેસાઇએ ડાંગની ભાષા મરાઠી હોવાનું જાહેર કર્યું ત્યારે પણ ગુજરાત સાહિત્ય સભાએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. પ્રખર ગાયક પંડિત ઓમકારનાથે પણ પોતાના બુલંદ અવાજે આ નિર્ણયનો વિરોધ કર્યો.
અસલી લડાઇ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ગુજરાત અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મહારાષ્ટ્રની હતી. પણ કોંગ્રેસી કેન્દ્ર સરકારે ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર એવા ત્રણ ભાગ પાડતાં મરાઠીભાષીઓને એવું લાગ્યું કે ગુજરાતીઓને કારણે મુંબઇને મહારાષ્ટ્રથી અલગ પાડવામાં આવ્યું છે. એટલે મરાઠીઓએ મુંબઇના ગુજરાતીઓ પર હુમલા કર્યા અને તોફાનો દરમિયાન પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકો‘મહારાષ્ટ્રના શહીદ’ તરીકે ઓળખાયા.
૮ ઓગસ્ટ, ૧૯૫૬ના રોજ મહાગુજરાત માટેના દેખાવો દરમિયાન પોલીસ ગોળીબારમાં વિદ્યાર્થીઓ માર્યા ગયા, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક એ ઘટના વિશે અજાણ હતા. મહેમદાવાદ નજીક નેનપુર ગામે રહેતા ઇન્દુલાલે લખ્યું છે કે ‘નેનપુર સ્ટેશને જઇને ગુજરાત સમાચાર વાંચ્યું ત્યારે જ મને અમદાવાદના ભયંકર ગોળીબારની ખબર પડી.’ પણ અમદાવાદ પહોંચીને, વિનોદ કિનારીવાલાની ખાંભી આગળ શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા પછી જાહેર સભામાં તેમણે લોકોને પ્રતિજ્ઞા લેવડાવી કે ‘મહાગુજરાત ન સ્થપાય, ત્યાં સુધી આપણે જંપીને બેસીશું નહીં.’
ગુજરાતમાં સામ્યવાદી કે સમાજવાદી પક્ષો કદી ધબકતા હશે એવી આજે તો કલ્પના પણ ન આવે. છતાં, મહાગુજરાતના આંદોલન વખતે કેન્દ્રમાં સરકાર ધરાવતી કોંગ્રેસ વિલનની ભૂમિકામાં હતી, ત્યારે સામ્યવાદીઓ અને સમાજવાદીઓ સહિત તમામ રાજકીય રંગ ધરાવતા બિનકોંગ્રેસી લોકો મહાગુજરાતની તરફેણમાં રહ્યા.
મહાગુજરાત આંદોલન વખતે કોંગ્રેસના પ્રધાન તરીકે અમદાવાદમાં રહેતા બાબુભાઇ જશભાઇ પટેલને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. તેમના બંગલામાં ધૂસી જઇને લોકોએ તોડફોડ કરી હતી. આગળ જતાં બાબુભાઇ બે વાર ગુજરાતના બિનકોંગ્રેસી મુખ્ય પ્રધાન બન્યા! એક વખત તેમના પક્ષનું નામ હતું ‘જનતા મોરચો’ અને બીજી વખત નામ હતું ‘જનતા પક્ષ’!
મહાગુજરાતના હેતુ માટે મોરારજી દેસાઇ સામે મોરચા માંડવા ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા નેતાઓએ‘જનતા પરિષદ’ નામની સંસ્થા સ્થાપી. વર્ષો પછી મોરારજી દેસાઇ બિનકોંગ્રેસી ‘જનતા પક્ષ’ના વડાપ્રધાન બન્યા!
બીજા નેતાઓની સાથે જયંતિ દલાલ અને હરિહર ખંભોળજાની મહાગુજરાત આંદોલન વખતે ધરપકડ થઇ હતી. તેમને યરવડા જેલમાં રખાયા હતા. બન્ને નેતાઓએ યરવડા જેલમાંથી ૧૯૫૭નીવિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભર્યું. ત્યાર પછી તેમને છોડી મુકવામાં આવ્યા. ચૂંટણીમાં જયંતિ દલાલ જીત્યા અને હરિહર ખંભોળજાનો પરાજય થયો. મહાગુજરાત પછીના રાજકીય પ્રવાહોમાં ખંભોળજા કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસી મંત્રી બન્યા.
મહાગુજરાતના નાયકોમાં સ્થાન પામતા પ્રબોધ રાવળ આંદોલન શરૂ થયાના એકાદ વર્ષમાં જ‘જનતા પરિષદ’થી વિમુખ થઇ ગયા હતા. અલગ ગુજરાત મેળવવાના આશયથી રચાયેલી જનતા પરિષદ બિનરાજકીય સંસ્થા હતી. તેની સાથે સંકળાયેલા પ્રબોધ રાવળ અમદાવાદના ભૂતપૂર્વ મેયર ચીનુભાઇ શેઠના ‘નાગરિક પક્ષ’ના સભ્ય હતા.
ચીનુભાઇ ફક્ત અલગ ગુજરાત પર અટકવાને બદલે ત્રણ રાજ્યો- ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર-ની ફોર્મ્યુલાનું સમર્થન કરતા હતા. સ્થાનિક ચૂંટણીમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને જનતા પરિષદને નાગરિક પક્ષના ઉમેદવારોને ટેકો કર્યો. પણ ચૂંટણી જીત્યા પછી ચીનુભાઇ શેઠનું વલણ બદલાયું નહીં અને નાગરિક પક્ષે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ત્રણ રાજ્યનો ઠરાવ પસાર કર્યો. તેનાથી જનતા પરિષદનાહાર્દનો ભંગ થતો હતો. એટલે પરિષદ સાથે સંકળાયેલા નાગરિક પક્ષના કેટલાક સભ્યોએ પરિષદમાંથી રાજીનામાં આપ્યાં. ત્રણ રાજ્યોની યોજનાને ટેકો આપનાર પ્રબોધ રાવળે જનતા પરિષદમાંથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો. એ વિશે ઇન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે,‘બીજાની જેમ તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો ઠરાવ ચર્ચાયો ત્યારે તેમણે જરા ગરમ થઇને પોતાના વર્તનનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે વ્યર્થ નીવડ્યો અને પોતાની કામગીરી પૂરી થયેલી સમજીને તેમણે પરિષદના કાર્યાલયમાં આવવાનું બંધ કર્યું.’
મહાગુજરાતનું આંદોલન આખા ગુજરાત માટે હતું. છતાં સૌરાષ્ટ્ર અને કચ્છ જેવાં, અંગ્રેજોના રાજ્યમાં અલગ રહેલાં એકમોમાં આ આંદોલનનો પ્રભાવ અને તેની અસર અત્યંત મર્યાદિત રહ્યાં.
૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચાલેલા મહાગુજરાત આંદોલનમાં શહીદ થયેલા આંદોલનકારીઓના લાલદરવાજા ખાતેના સ્મારકની ઘટના હૃદયસ્પર્શી છે. કોંગ્રેસ ભવન, લાલદરવાજા પાસે થયેલ પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા આંદોલનકારીઓ સહિત શહીદ થયેલા લોકો માટે ‘સત્તાધીશો’એ વિક્ટોરિયા ગાર્ડનમાં સ્મારક ઊભું કર્યું હતું.
આ સ્મારક વિવાદસ્પદ બનતા શહીદ સ્મારક માટે લગભગ ૧ વર્ષ સુધી ચાલેલા આંદોલનમાં હજારો લોકોએ ધરપકડ વ્હોરી. ૧૯૬૦માં ગુજરાતની સ્થાપના તો થઈ, પરંતુ ‘સ્મારક’ માટેનું આંદોલન ચાલુ રહ્યું અંતે લાલદરવાજા ખાતે ‘સર્વસ્વીકૃત’ સ્મારક ૧૯૬૨માં નિર્માણ પામ્યું. જે આજે તિલકબાગમાં ધૂળ ખાઈ રહ્યું છે.
તસવીર માં મહાગુજરાત આંદોલનના પ્રણેતા ઈન્દુલાલ યાજ્ઞિક ૮ ઓગસ્ટ, ૧૯૫૬ના દિવસે જે સ્થળે યુવાનો શહીદ થયા તે કોંગ્રેસ ભવન સામે, પુષ્પાંજલી અર્પી રહ્યાં છે.
ગુજરાતની સ્થાપના પૂર્વે મહાગુજરાત ચળવળમાં મુંબઈના મરાઠી ભાષી સૂત્ર આમચી બમ્બઈ સામે ગુજરાતી ભાષામાં ‘ગુજરાત મોરી રે’ સૂત્રોરચારથી વારંવાર હિંસક અથડામણો થયેલ હતી. ચળવળ દરમિયાન અમદાવાદમાં ગોળીબાર થયા પછી અલગ રાજયની રચના માટેના આંદોલનને વેગ મળ્યો હતો.
કોંગ્રેસ હાઉસની સામે યુવાનો ઊભા હતા ત્યારે એકાએક ગોળીબાર શરૂ થયો. પહેલી ગોળીએ ૧૬ વર્ષના બનાસકાંઠાના યુવાન પૂનમચંદ વીરચંદ અદાણીના માથામાં વાગી અને તે ઢળી પડ્યો. રતનપોળમાં કાપડની દુકાને નોકરી કરતો આ યુવાન મહાગુજરાત લે કે રહેંગે- ના નારા સાથે ટોળામાં નીકર્યો હતો ત્યારે વીંધાઈ ગયો. પૂનમચંદ તેની માતા અને બે પરિણીત ભાઈ અને ભાભી સાથે લહેરિયાપોળમાં રહેતો હતો. આ યુવાનના શબને બાજુએ ખસેડવામાં આવે તે પહેલાં ૧૮ વર્ષના કૌશિક ઇન્દુલાલ વ્યાસને ગોળી વાગતાં તેનાં આંતરડાં શરીરની બહાર નીકળી ગયાં હતાં.
સ્વાતંત્ર્યસેનાની ઇન્દુલાલ વ્યાસ તેમના દીકરાનો મૃતદેહ જોઈને બોલી ઊઠ્યા હતા કે….. હું આઝાદી માટે લડ્યો અને મારો દીકરો આઝાદ ભારતની પોલીસની ગોળી ખાઈને મર્યો. કૌશિકની માતાએ કહ્યું હતું કે હવે મારી જિંદગી ખારી થઈ ગઈ છે. પોલીસ ગોળીબારમાં શહીદ અબ્દુલના પિતાએ પોતાના પુત્રની લાશને જોઈ કહ્યું હતું કે…. એક તો શું બીજા ચાર દીકરાની જરૂર હશે તો મહાગુજરાત માટે બલિદાન આપવા માટે તૈયાર છીએ..!!
પોલીસની ગોળીનો ત્રીજો શહીદ સુરેશ ભટ્ટ માત્ર ૧૭ વર્ષનો હતો. ઉમરેઠના જયશંકર ભટ્ટનો તે દીકરો હતો. ધો.-૧૦માં અભ્યાસ કરતા આ કિશોરે લાલ દરવાજાના સ્નાનાગારમાં એક યુવાનને ડૂબતો બચાવ્યો હતો. આ ઘટનાના થોડા દિવસો પહેલાં સુરેશે તેની નોટમાં લખ્યું હતું કે હે પામર મનુષ્ય, તુ માયા છોડી દે, માયા એ જ કલ્પના છે. જે કોઈની થવાની નથી. તું માયાને ત્યજીને શાંતિ મેળવી સુખી થા…!! તેની માતા સવિતાબહેને કહ્યું હતું કે મારા જેવી માતાઓના દીકરાઓનાં બલિદાનો એળે નહીં જાય.
૯મી ઓગસ્ટ-૧૯૪૨માં ગાંધીમાર્ગ ઉપર ખાડિયા ચારરસ્તે ઉમાકાન્ત કડિયા શહીદ થયા હતા અને ૧૦મી ઓગસ્ટે વીર કિનારીવાલાએ ગુજરાત કોંલેજમાં પ્રાણ આપ્યા હતા. શહીદ વીર કૌશિકની ખાંભીને પુષ્પો અર્પણ કરતા વિદ્યાર્થીઓ અને કૌશિકના માતા-પિતા ઇન્દુલાલ વ્યાસ અને શાન્તાબહેન શુક્લ.
રક્તરંજિત ધરતીમાં ગુજરાત સાવ સસ્તામાં મયું નથી. ગુજરાતની વીરગાથાઓમાં ૨૪ યુવાનોએ પોતાના પ્રાણનાં બલિદાન આપ્યાં હતાં. જે સંઘર્ષ નવી પેઢીને યાદ નહીં હોય..!!
Hits: 58