લોકડાઉન સગાઈ થઈ ગયેલા કપલ્સ માટે સૌથી કપરો સાબિત થઈ રહ્યો છે. વીડિયો કોલથી સંતોષ માનવો પડે છે અને મળવાનું તો નામ પણ લેવાતું નથી. જોકે, સર્વત્ર બધુ બંધ હોવાને કારણે શ્રમિકો પગપાળા પોતાના વતન જઈ રહ્યા છે. પણ ગુજરાતના અમદાવાદથી એક યુવક પોતાની ગર્લફ્રેન્ડને મળવા માટે છેક વારાણસી સુધી પગપાળા આવ્યો હતો. બીજી તરફ એ પ્રેમિકા પણ આ યુવકને મળવા માટે ઘરમાંથી ભાગી ગઈ હતી. પછીથી પોલીસે બંનેને પકડી પાડ્યા હતા.
જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે બંને વચ્ચે એક મિસકોલથી વાર્તાલાપ શરૂ થયો હતો. જે સમય જતા સંબંધ પ્રેમમાં ફેરવાયો હતો. વારાણસીના મિર્ઝામુરાદ પોલીસ સ્ટેશનમાં એક માતાએ પોતાની પુત્રી ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીનો મોબાઈલ નંબર પૂછીને એના આધારે ટ્રેસ કરવાનું શરૂ કર્યું હતું. યુવતીનું લોકેશન વારાણસીના લંકા વિસ્તારમાં ડિટેક્ટ થયું હતું. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે યુવતી પોતાના પ્રેમી સાથે મળી આવી હતી. જ્યારે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, યુવક ગુજરાતનો રહેવાસી છે. બંનેએ પહેલા મળવા માટેનો પ્લાન બનાવ્યો હતો. પણ લોકડાઉનને કારણે મળવાનું શક્ય બન્યું નહીં. પછી એક દિવસ યુવક અમદાવાદથી વારાણસી સુધી પગપાળા કરીને આવી પહોંચ્યો.
ગત મંગળવારે યુવતી પણ સાયકલ લઈને પોતાના ઘરેથી સાંજે નીકળી ગઈ હતી. પછી તે ગામમાં સાયકલ મૂકીને અમદાવાદથી આવેલા પ્રેમીને મળવા માટે ગઈ હતી. યુવતી પ્રેમી પાસે જવાની જીદ પર અડગ હતી. પણ યુવતીના માતા પિતા તથા પરિવારજનો યુવતીને સમજાવીને ઘરે લાવ્યા હતા. બંને વચ્ચે એક મિસકોલથી આ સંબંધની શરૂઆત થઈ હતી. અમદાવાદથી વારાણસી વચ્ચે 1100 કિમીનું અંતર છે. આ યુવકે રસ્તામાં જુદા જુદા સ્થળે રોકાઈને રાતવાસો કર્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, પાંચ મહિના પહેલા બંને લોકો એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવકનું વતન પણ વારાણસી છે પણ કામ અર્થે તે અમદાવાદ આવ્યો હતો. લોકડાઉનમાં પણ અનેક યાતના વેઠીને યુવકે એમને મળવા માટે આવવાનું વચન પાળ્યું હતું. યુવકને વારાણસી પહોંચતા બે અઠવાડિયાનો સમય લાગ્યો હતો. પોલીસે પણ યુવકની પૂછપરછ કરીને છોડી મૂક્યો હતો. જોકે, લોકડાઉનને કારણે હવે તે પરત જઈ શકે એમ ન હતો એટલા માટે વારાણસીમાં જ રોકાઈ ગયો હતો.
Hits: 90