Breaking News

શું અમદાવાદ કોરોનાના થર્ડ સ્ટેજ તરફ આગળ વધી રહ્યું છે? કોરોનાં સામે વધુ મજબૂત બનીએ.

અમદાવાદમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક બની રહ્યો છે. અમદાવાદમાં કોરોનાનો પગપેસારો અને એનો વધારો જોવા જઈએ તો અમદાવાદમાં પહેલા 100 દર્દીઓ 16 દિવસમાં નોંધાયા હતા, પછી બીજા 100 દર્દી 3 જ દિવસમાં આવ્યા હતા અને કાલે તો એક જ દિવસમાં 100 કેસો આવતા આખું તંત્ર ઊંધા માથે લાગી ગયું છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં 11મી એપ્રિલે 468 કેસ હતા, અને માત્ર 5 દિવસમાં જ ડબલ એટલે કે 17 એપ્રિલે 1021 કેસ થઈ ગયા છે. 

અમદાવાદમાં 19 માર્ચે પહેલા બે કોરોના પોઝિટિવના કેસ આવ્યા હતા. જ્યાંથી શરૂ થયેલો કોરોનાનો કહેર રોજે રોજ વધતો જ જાય છે. તેમાં પણ 16 એપ્રિલના રોજ તો સૌથી વધુ 163 દર્દી સાથે રેકોર્ડ કર્યો છે. અમદાવાદમાં માત્ર 28 દિવસમાં 500 કરતાં વધુ કેસો સામે આવ્યા છે. અમદાવાદમાં સૌથી પહેલો કેસ 19મી માર્ચના રોજ આવ્યો હતો. 6 એપ્રિલ સુધી આ આંક માત્ર 64 જ હતો. આ બાદ સતત આંક વધી રહ્યો છે. 10મી એપ્રિલના રોજ અમદાવાદમાં કોરોના પોઝિટવનો આંક 197 હતો. એક જ સપ્તાહમાં 590 એ પહોંચ્યો છે. આમ એક જ સપ્તાહમાં 400ની આસપાસ કેસ નોધાયા છે. અમદાવાદમાં કોરોના વાયરસ ખતરનાક સ્ટેજે ચાલી રહ્યો છે. આ સમયમાં ઘરમાં રહેવું એ સૌથી વધારે સેફ છે. ગુજરાતમાં પણ 6 દિવસમાં કેસ 468થી વધીને 1021એ પહોંચી ગયા છે.

મેડિકલ ટીમમાં પણ કોરોના
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો જી એચ રાઠોડના દિકરાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેથી સુપ્રીટેન્ડન્ટને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે અને હાલમાં 1200 બેડની હોસ્પિટલનો ચાર્જ ડો ગજ્જરને સોપાયો છે. તેમજ ડો જેપી મોદીને સુપ્રીટેન્ડન્ટનો ચાર્જ સોપવામાં આવ્યો છે. અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં વધુ 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. એલ.જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 ડોક્ટર અને 1 નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ એલ.જી. હોસ્પિટલના ડોક્ટર્સ સહિત કુલ 10 કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ પહેલા ગુરુવારે પણ એક પ્રોફેસર સહિત 5 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

લોકોએ કોરોનાની ગંભીરતા જાણવાની જરૂર

અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરાએ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ યોજતા જણાવ્યું કે અમદાવાદમાં કોરોનાનો જે પહેલો કેસ નોંધાયો તે દર્દી આજે 35 દિવસ બાદ પણ સારવાર હેઠળ છે. તમામ કેસોમાં આ ખાસ પ્રકારનો કેસ છે અને આ કેસ અંગે ભારત સરકારને પણ જાણ કરવામાં આવી છે. કમિશનર નહેરાએ ફરી એક વખત લોકોને લોકડાઉનનું કડક પાલન કરવાની સલાહ આપી છે. વિજય નહેરાએ જણાવ્યું કે અમદાવાદમાં કોરોના કરતા નાગરિકો નિયમોનું પાલન નથી કરતા તે વધુ પડકારજનક છે. તેમણે કહ્યું કે મધ્ય ઝોનમાં નાગરિકો કોરોનાની ગંભીરતાને સમજ્યા વગર લોકડાઉનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આથી લોકોને સમજાવવા એ અમારા માટે મોટો પડકાર છે. વિજય નહેરાએ કહ્યું કે અમદાવાદમાં સતત વધી રહેલા કેસો વચ્ચે પ્રોએક્ટિવ સર્વેલન્સનું તંત્રને ખુબ સારું પરિણામ મળ્યું છે.

Hits: 144

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?