Breaking News

ભરૂચમાં કોરોનાનો ભડકો:21 દર્દીઓ કોરોનાગ્રસ્ત

ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ થયેલા કોરોના વાયરસે હવે શહેરી વિસ્તારો અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલમાં દસ્તક દીધી છે. શુક્રવારના રોજ વધુ આઠ દર્દીના રીપોર્ટ પોઝીટીવ આવતાં જિલ્લામાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 21 પર પહોંચી છે. 

ભરૂચ જિલ્લામાં ઇખરની મસ્જિદમાં તથા જંબુસરના દેવલાની મદ્રેસામાં રોકાયેલાં સાત જમાતીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં બાદ ભરૂચમાં કોરોના વાયરસના દર્દીઓ મળી આવવાનો સીલસીલો યથાવત રહયો છે. છેલ્લા એક સપ્તાહમાં ભરૂચમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 21 પર પહોંચી છે.

સૌથી પહેલા ઇખર અને દેવલામાંથી કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યાં બાદ બંને ગામોની સાત કીલોમીટરની ત્રિજયામાં આવતાં ગામોની સરહદો સીલ કરી દેવામાં આવી છે. લોકોને જીવન જરૂરીયાતની વસ્તુઓ ખરીદવા માટે સવારે 8 થી 11 વાગ્યા સુધીની છુટ આપવામાં આવી છે. ઇખર અને દેવલા બાદ પારખતે અને વાતરસામાંથી કોરોનાના દર્દીઓ મળતાં વધુ ગામો સીલ કરાયાં છે. ગામડાઓ બાદ કોરોના વાયરસને સિવિલ હોસ્પિટલ ખાતે દસ્તક દીધાં હતાં. બે નર્સના રીપોર્ટ પોઝીટીવ આવતાં ઝાડેશ્વર તેમજ આસપાસના ગામો તથા નગરપાલિકાનો વિસ્તાર સીલ કરાયો છે. કસકથી પુનિત નગર સોસાયટી સુધીના રસ્તાઓ પર પતરા મારી દેવાયાં છે. હોટલ એપલ ઇન તથા આસપાસના વિસ્તારને પણ બંધ કરી દેવાયો છે. 

ભરૂચમાં શુક્રવારના રોજ કોરોના વાયરસના આઠ વધુ કેસ સામે આવ્યાં હતાં. સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ સહિત પાંચ કર્મીઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યાં છે. જેમાં મહિલા સિકયુરીટી ગાર્ડ અને ત્રણ ટેકનીશીયનનો સમાવેશ થાય છે. તબીબ, સિકયુરીટી ગાર્ડ અને એક ટેકનીશીયન ભરૂચ શહેરમાં રહેતાં હોવાથી મોટાભાગનો વિસ્તાર કવોરન્ટાઇન જાહેર કરી દેવાયો છે. બે ટેકનીશીયન વાલીયાના હોવાથી ત્યાં પણ સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. કોરોના પોઝીટીવ દર્દીઓના પરિવારજનો અને તેમના સંપર્કમાં આવેલાં લોકોની તપાસ કરવામાં આવી રહી છે. 

ભરૂચમાં કોરોના વાયરસે ઉથલો માર્યો છે તેનું મહત્વનું કારણ લોકલ ટ્રાન્સમીશન હોવાનું આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે. સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ કોરોના વાયરસને રોકવા માટે દર્દીઓના સેમ્પલીંગ તથા તેમને કવોરન્ટાઇન કરવાની કામગીરીમાં જોતરાયેલાં હતાં જેથી તેમને ચેપ લાગ્યો હોવાની શકયતા વધારે છે. રાજય સરકારે હવે કોરોનાના દર્દીઓની સારવાર કરતાં કર્મચારીઓની સાથે તમામ મેડીકલ સ્ટાફને પીપીઇ કીટ આપવનો નિર્ણય લીધો છે. ગામડાઓ બાદ હવે શહેરમાં પણ કોરોના વાયરસનો પગપેસારો થઇ ચુકયો છેે ત્યારે ભરૂચવાસીઓએ સાવચેતી એજ સલામતીના સુત્રને વળગી રહેવું પડશે. ઘરમાં રહો અને સુરક્ષિત રહો તે માટે કનેકટ ગુજરાત તરફથી પણ આપ સૌને અપીલ કરવામાં આવે છે.

Hits: 99

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?