અમદાવાદ શહેરના વાડજ સ્થિત રામાંપીરના ટેકરા પર આવેલી ઝૂંપડપટ્ટીમાં બે દિવસ પહેલા 14મી એપ્રિલના રોજ પ્રથમ લોકડાઉન પૂર્ણ થતાં કોરોનાનું બારમું યોજીને 25 હજાર લોકોને 500 કિલો ચોખ્ખા ઘીનો શિરો અને મગનું જમણ કરાવવામાં આવ્યું હતું.
કોરોનાએ સમગ્ર દુનિયામાં કાળો કેર વર્તાવ્યો છે. આ મહામારી સામે બધા દેશો લડત ચલાવી રહ્યા છે. તો દેશવાસીઓ જરૂરિયાત મંદ લોકોની સેવામાં લાગી ગયા છે. આવી જ 21 દિવસના લોકડાઉન દરમિયાન સેવા કરનાર મહેસાણા સ્થિત કબીર આશ્રમના મહંત સપ્તસુન ઉર્ફે રાજુ કરાટેએ જણાવ્યું હતું કે, અમારી સાથે સેવામાં જોડાયેલા 31 જણાની ટીમના યુવાનોનો આભાર વ્યક્ત કરવા અને લોકડાઉન પૂર્ણ થયુ હોવાથી કોરોનાનું બારમું કર્યું હતું. સવારથી જ 500 કિલો ચોખ્ખા ઘી અને બદામ નાખીને શિરો અને 250 કિલો મગ બનાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જો કે તે દિવસે જ લોકડાઉનની અવધિ વધારવામાં આવતા અમારા કાર્યકરો મારફતે જ 10 હજારની સંખ્યા ધરાવતી ઝૂંપડપટ્ટીઓની ચાલીઓમાં જઈને જ બધાને જમણ પહોચાડ્યું હતું. બારમાની વિધિ ન હતી કરી પણ રસોઈ બનાવતા પહેલા અને રસોઈ બની ગયા પછી હાજર 6થી 7 લોકોએ ભેગા મળીને 5 મિનિટનુ મૌન પાળ્યું હતું. ત્યારબાદ ભોજન પીરસવાની કામગીરી શરૂ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહંત સપ્તસુંન વર્ષો સુધી વાડજમાં જ રહેતા હતા. એટલું જ નહીં તેઓ રાજુ કરાટેના નામથી કોર્પોરેટર ની ચૂંટણી પણ લડ્યા હતા. જો કે તેમાં તેમની હાર થઈ હતી. ત્યારબાદ તેઓ આધ્યાત્મિકતા તરફ વળી ગયા હતા, હાલ મહેસાણા સુથીયાળા ગામમાં કબીર આશ્રમ ચલાવે છે. પરંતુ દેશ પર સંકટ આવ્યું હોવાથી તેઓ તેમના વિસ્તારમાં રહેતા ગરીબ અને શ્રમજીવી લોકોની સેવા કરવા અમદાવાદ આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
વધુમાં રાજુભાઈના જણાવ્યા મુજબ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમની મદદથી સ્થાનિક વિસ્તારમાં 200થી વધુ લોકો ના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવ્યા હતા સાથે સાથે વસાહતમાં કોરોના પગપેસારો થાય નહીં તેના માટે સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.
Views: 207