Breaking News

અમદાવાદમાં લગ્નમાં આવતા તમામનું લિસ્ટ પોલીસ સ્ટેશનમાં આપવું ફરજીયાત: પોલીસ કમિશ્નર

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરમાં કર્ફ્યૂની સ્થિતિ અંગે રિવ્યુ કર્યો હતો. શહેરના કોટ વિસ્તારમાં વીજળી ઘર, લાલ દરવાજા સહિતના વિસ્તારમાં તેમણે સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન અમદાવાદમાં આવતીકાલથી અમલી થનારા રાત્રિ કર્ફ્યૂને લઈને એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે સોમવારથી અમલમાં આવનારા રાત્રિ કરફ્યૂ અને શહેરમાં યોજાનારા લગ્ન સમારંભોને લઈને મહત્વની વાત કરી હતી.

પોલીસ કમિશનરે જણાવ્યું કે, અમદાવાદમાં આવતીકાલે સવારે 6 વાગ્યે 57 કલાકનો કર્ફ્યૂ પૂર્ણ થસે. જોકે, રાત્રે 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. કોરોના કર્ફ્યૂ વચ્ચે ચિંતાનજક સમાચાર એ છે કે, ગઈકાલે 13 પોલીકર્મી કોરોના સંક્રમિત થયા છે. તે સાથે હાલ 33 પોલીસકર્મી કોરોનાથી સંક્રમિત છે.

તેમણે જણાવ્યું કે, ગઈકાલે જાહેરનામા ભંગના 293 કેસ થયા છે. 279 લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. તો જાહેરનામા ભંગ બદલ 92 વાહન ડિટેઈન કરાયા છે. તેમણે કહ્યું કે, શહેરમાં હાલ 116 ચેક પોઈન્ટ-નાકા પર પોલીસ તૈનાત છે. રાત્રિ કર્ફ્યૂમાં પણ 16 જગ્યાએ પોલીસ રહેશે.

શહેરના પોલીસ કમિશનરે કહ્યું કે, અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂને લઈને નવું જાહેરનામું આવશે. જેમાં રાત્રે લગ્નની મંજૂરી નહીં મળે. 9 વાગ્યા સુધીમાં તમામ કાર્યક્રમો પૂર્ણ કરવાના રહેશે. તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં 2 દિવસમાં 70થી વધુ લગ્ન માટે અરજી આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે (શનિવારે) રાજ્ય સરકારે પણ રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખી રાજ્યના ચાર મોટા શહેરો- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં લગ્નોને રાત્રિ મંજૂરી નહીં આપવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આગામી આદેશ સુધી આ નિર્ણય અમલી રહેશે. તેમાં કહેવાયું હતું કે, આગોતરા આયોજિત લગ્ન રાત્રિ કર્ફ્યૂ શરૂ થતા પહેલા પૂરા કરવા પડશે. દિવસના લગ્ન પ્રસંગ માટે પણ પોલીસની મંજૂરી લેવી પડશે.

રાજ્ય સરકારે આદેશમાં કહ્યું હતું કે, દિવસના લગ્ન માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ મંજૂરી લેવી પડશે. લગ્નપ્રસંગમાં માત્ર 200 લોકોને હાજર રહેવાની મંજૂરી મળશે. મંજૂરી માટે 200 લોકોનું લિસ્ટ પોલીસ સમક્ષ રજૂ કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ કમિશનરે પણ શનિવારે જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં જણાવાયું હતું કે, રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે અને રાત્રિ લગ્ન પર પ્રતિબંધ રહેશે.

Hits: 60

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?