અમદાવાદ (Ahmedabad City) શહેર અને જિલ્લા પર જાણે કોઈની નજર લાગી ગઈ હોય તેમ દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ (Coronavirus Cases) વધી રહ્યા છે. તા. 17 એપ્રિલ સવારે 10 વાગ્યા સુધી જિલ્લામાં કુલ 509 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદમાં 18 લોકોનાં મોત થયા છે અને 22 લોકો સાજા થયા છે. સતત ચિંતાજનક રીતે વધી રહેલા કેસ વચ્ચે ફ્રન્ટ લાઇન પર લડી રહેલા લોકો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. એટલે કે શહેરમાં કોરોના પ્રસરતો અટકે તે માટે કામ કરી રહેલા ડૉક્ટરો (Doctors), હેલ્થકેર સ્ટાફ (Healthcare Staff), અધિકારીઓ (Officers), નેતા (Politicians)ઓ વગેરેને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. શુક્રવારે મોટા સમાચાર પ્રાપ્ત થયા છે કે રાજ્યની સૌથી મોટી અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રિપોર્ટ આવ્યા બાદ સુપ્રિટેન્ડેન્ટને પણ ક્વૉરન્ટીન કરી દેવામાં આવ્યા છે. તેમજ સિવિલ હૉસ્પિટલનો ચાર્જ બીજા ડૉક્ટરને સોંપવામાં આવ્યો છે.
કોવિડ 19 હૉસ્પિટલનો ચાર્જ અન્યને સોંપાયો
મળતી માહિતી પ્રમાણે સિવિલ હૉસ્પિટલના સુપ્રીટેન્ડેન્ટ જી.એચ. રાઠોડના દીકરાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં તેમના પુત્રને સારવાર માટે ખસેવામાં આવ્યો છે. ડૉક્ટર રાઠોડને પણ ક્વૉરન્ટીન કરી દેવાયા છે. આ સાથે તેમનો ચાર્જ ડૉક્ટર જે.પી. મોદીને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત સિવિલ ખાતે 1200 બેડની કોવિડ 19 હૉસ્પિટલનો ચાર્જ ડૉક્ટર ગજ્જરને સોંપાયો છે.
એલ.જી.ના ચાર ડૉક્ટર અને એક નર્સનો રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદની એલ.જી. હૉસ્પિટલના ચાર ડૉક્ટર અને એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ગુરુવારે એક ડૉક્ટર અને નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંને એક દર્દીના સંપર્કમાં આવ્યા બાદ સંક્રમિત થયા હતા. ડૉક્ટર અન નર્સના સંપર્કમાં આવેલા ચાર ડૉક્ટર અને એક નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. એક માહિતી પ્રમાણે ગુરુવારે એલ.જી. હૉસ્પિટલમાંથી 100 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી પાંચનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ 50 સેમ્પલનો રિપોર્ટ આવવાનો બાકી છે.
Hits: 250