ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલો ડોક્ટરો સહિત નર્સિંગ સ્ટાફ ખડેપગે કોરોના દર્દીઓની સેવા કરતો હોય છે, ત્યારે તેમની સાથે જો અન્યાય થાય તો તે કેવી રીતે સાંખી લે? આજે અમદાવાદની SVP હોસ્પિટલ ફરી એકવાર મોટા વિવાદોમાં ફસાઈ છે. SVP હોસ્પિટલમાં કોરોના વોરિયર્સ સાથે ભેદભાવ થતો હોવાની હકીકત સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે.
હાલ આ મુદ્દે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આજે અમદાવાદની SVP હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફના લોકો હડતાલ ઉપર ઉતારતા SVPના સત્તાધીશો દ્વારા મેસેજ કરીને જાણ કરાઈ કે અગાઉના નિર્ણયને પાછો ખેંચવામાં આવે છે, અને હવે કોઇનો પગાર કપાશે નહીં..
એટલું જ નહીં, આજે SVP હોસ્પિટલમાં ખેડપગે કામ કરતા નર્સિંગ સ્ટાફના પગારમાં કાપ મૂકતા હોબાળો કરી મૂક્યો હતો. ત્યારબાદ પગાર કાપને લઈને નર્સિંગ સ્ટાફે હડતાળની પણ ચીમકી ઉચ્ચારી દીધી હતી. અમદાવાદની SVP હોસ્પિટલમાં 75 જેટલા કર્મચારીઓનો પગાર કાપી લેવાતા કર્મચારીઓ SVP કેમ્પસમાં ભેગા થયા છે. નર્સિંગના કર્મચારીઓને પગાર ઘટાડવામાં આવશે તેવી કોન્ટ્રાકટ રાખતી કંપની દ્વારા જાણ પણ કરવામાં આવતા નારાજગી ફેલાઈ છે.
SVP હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની ભરતી કોન્ટ્રાક્ટ બેઝ પર થાય છે, ત્યારે કોન્ટ્રાક્ટ પર રાખતી કંપનીએ નર્સિંગ સ્ટાફના પગારમાં મોટો કાપ મૂકતા નર્સિંગ બહેનો અને સ્ટાફ રોષે ભરાયો હતો. હોસ્પિટલમાં અનેક કિસ્સામાં નર્સિંગ બહેનાનો 35 હજાર પગાર હતો, પરંતુ કોરોના મહામારીમાં તેમને વળતર આપવાના બદલે 22 હજાર પગાર ચૂકવાતા રોષ ફાટી નીકળ્યો હતો. વળતર તો દૂરની વાત રહી, પરંતુ પોતાની મહેનતના પગારમાં પણ કોન્ટ્રાક્ટ કંપનીએ કાપ મૂકતા આજે નર્સિંગ સ્ટાફ ગ્રાઉન્ડ પર ઉતરી આવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યો હતો.
આ પગાર કાપ વિશે જ્યારે નર્સિંગ સ્ટાફ સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું હતું કે, અમારા પગારમાં ધરખમ કાપ મૂકાયો છે. કંપનીને નુકસાન થતુ હોવાથી પગાર કાપ્યાનો ખુલાસો કાન્ટ્રાક્ટ કંપનીઓ આપી રહી છે. જ્યારે નર્સિંગ સ્ટાફ સાથે પગાર કાપમાં અન્યાય થતા અન્ય ઘટનાઓ વિશે પણ ખુલાસા થયા હતા. નર્સિંગ બહેનોએ જણાવ્યું હતું કે, અમારી સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે. PPE કીટ અને માસ્કનો ખર્ચ હોવાથી પગાર કાપ્યાનો ખુલાસો થઈ રહ્યો છે.
Hits: 307