આગામી સમયને કેવી રીતે જોવો-સમજવો અને ગાળવો તેની કેટલીક સાદી ટિપ્સ….
(1) આજે, નવમી એપ્રિલ, 2020ના રોજ અમદાવાદ શહેરમાં 50 કેસ પોઝિટિવ બહાર આવ્યા છે. આવવાના જ હતા કારણ કે હવે જ આપણે ટેસ્ટ કરવાના ચાલુ કર્યા છે. સતત કામ કરતા અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર સાહેબ વિજય નહેરાએ સાવ સાચું જ કહ્યું કે આપણે 50 પોઝિટિવ કેસ શોધીને 500 વ્યક્તિનાં મૃત્યુને ટાળી શક્યા છીએ. એટલું યાદ રાખીએ કે જેટલા વધારે પોઝિટિવ કેસ શોધાશે તેટલી લોકોની સલામતી વધશે અને આપણે કોરોનાના કેરમાંથી ઝડપથી બહાર આવીશું. કોરાના એટલું અપલક્ષણું વાયરસ છે કે તેનાં લક્ષણ ના હોય તો પણ વ્યક્તિ આ રોગનો દરદી હોઈ શકે છે. આ જોખમી બાબત છે એટલે વધારેમાં વધારે ટેસ્ટ કરવા એ જ સાચો વિકલ્પ છે. આમ તો દેશ અને રાજ્યના એકે એક વ્યક્તિનો ટેસ્ટ થવો જોઈએ પણ એ શક્ય નથી. એટલે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા અને આ રોગનાં લક્ષણો ધરાવતા લોકોના ટેસ્ટ પ્રાથમિકતાથી કરવા જોઈએ. જે હવે શરૃ થયા છે.
(2) પોઝિટિવ કેસની સંખ્યા ગમે તેટલી વધે. કોઈએ સહેજે વિચલિત થવું નહીં, બલકે રાહત અનુભવવી. કોઈ ગૂમડું થયું હોય તો તેનું બધુ જ પરુ બહાર કાઢવું પડે. નિદાન એટલે નિદાન. રોગ છે તો છે. તેને શોધીશું તો તેનો ઉકેલ આવશે ને.. જો પોઝિટિવ કેસ ના શોધીએ તો એક વર્ષેય પાર ના આવે. એક જણ બીજાને બીજો પાંચસોને એ વળી હજારો-લાખોને ચેપ આપતો રહે અને આપણે તેની ચેઈન તોડી ના શકીએ. માટે કોઈ પણ સ્થિતિમાં સ્વસ્થ જ રહીએ. હજારોની સંખ્યા થાય તો પણ ચિંતા ના કરીએ. સંખ્યા નહીં, તેને અટકાવવાનું મહત્ત્વ છે.
(3) આજે એક એવા સમાચાર વાંચ્યાં કે કોઈ ભારત અનેક દાયકાઓ પાછળ જતું રહેશે. જીડીપી એક કે ટકા થઈ જશે. મહામંદી આવી જશે. અર્થતંત્રને ધ્યાનમાં રાખીને આવા અહેવાલો સતત આવ્યા જ કરે છે. બધુ અનુમાનો પર આધારિત હોય છે. વિશ્વની અનેક સંસ્થાઓ પોતપોતાની રીતે અનુમાનો બાંધીને તારણો આપ્યા કરે છે. ખરેખર તો આ સમય અર્થતંત્રનો સહેજ પણ વિચાર કરવાનો નથી. આ સમય માત્ર માણસની જિંદગીનો જ વિચાર કરવાનો છે. અર્થતંત્રનું જે થવું હશે તે થશે. હા, પાણી પહેલાં પાળ બાંધીને જે અત્યંત જરૃરી હોય તેવી વાતોનો ચોક્કસ વિચાર કરવો જોઈએ, પણ જેને વિચાર કરવાનો છે તેઓ વિચાર કરી જ રહ્યા છે. અર્થતંત્રના નકારાત્મક અહેવાલો, સર્વેક્ષણોથી અત્યારે બચવાની આવશ્યકતા છે. ઉપરછલ્લા, કસમયના, અધૂરા અને અપ્રસ્તુત આવા અહેવાલો રજૂ કરવાથી મીડિયાએ પણ બચવું જોઈએ. તેની લોકો પર નકારાત્મક અસર પડી શકે. ઘરમાં પૂરાઈ રહેલા લોકોની માનસિકતાની હવે કસોટી થવાની છે ત્યારે તો ખાસ નેગેટિવ કન્ટેન્ટ રજૂ ના જ કરવું જોઈએ. આનો વિવેક દરેકે સમજવો જોઈએ. વાચકો અને પ્રેક્ષકોએ તેના પર ધ્યાન જ ના આપવું જોઈએ.
(4) જો માણસને, તેની શક્તિઓને, તેની શક્યતાઓને, તેના ખમીર અને ખુમારીને જાણતા હોવ તો તમે મહેરબાની કરીને સહેજે ચિંતા ના કરો. માણસની જીજીવિષા પ્રબળ હોય છે. તેણે આવી અનેક આપત્તિઓનો સામનો કરીને જાતને ટકાવી છે અને ઝડપથી તેમાંથી એ પાર પડ્યો છે. ઈતિહાસ ઉપર નજર કરો.. માણસ કોરોનાના દાદા કે વડ દાદાનેય ગાંઠે એવો નથી. આપત્તિ કે મહામારીમાંથી બહાર આવડતાં એને આવડે છે. (ભલેને પછી તેના માટે દિવસો સુધી ઘરમાં પૂરાઈ રહેવું પડે.) અસ્તિત્વને ટકાવી રાખવા માટે શું કરવું એ માણસજાતને લાખો વર્ષના અનુભવ પરથી આવડી ગયું છે. કોરોના વાયરસની આસૂરી શક્તિ સામે માણસજાતની આંતરિક શક્તિ છેવટે જીતવાની છે. સમયને થોડી તક આપો. આખું વિશ્વ આ મહામારીમાંથી બહાર આવશે.. નવી સવાર પડશે.. પંખીઓ ગીત ગાશે. ઉગમણી કોરના વાયરા વાશે, લોકોનાં હૃદય પુલકિત થશે, હોઠ પર નવાં ગીત ફૂટશે…
(5) અર્થતંત્ર કરતાં માણસના જીવનનું વધુ મહત્ત્વ છે એ યાદ રાખીએ. અર્થતંત્ર તો બેઠું કરી શકાશે, પણ મરેલા માણસને બેઠો નહીં કરી શકાય. આધુનિક માણસ સમાજ કરતાં બજારનો માણસ વધુ થઈ ગયો છે તેથી આપણે અર્થતંત્રની વધારે ચિંતા કરીએ છીએ. વ્યાજબી ચિંતા ઉચિત છે, પણ બીપીને હાઈ કરે નાખે કે ડિપ્રેશનમાં આવી જવાય તેટલી ચિંતા ના કરો. અનેક યુદ્ધો, આપત્તિઓ, મહામારીઓ, ભૂકંપો, યુદ્ધો, સુનામીઓ, પૂર..પછી પણ અર્થતંત્ર ગોઠવાયાં જ છે. 2001માં કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે બધા કહેતા કે કચ્છ કદી બેઠું જ નહીં થઈ શકે, એના બદલે મહિનાઓમાં તો એ દોડતું થઈ ગયું. મોરબી તણાઈ ગયું તો બધા કહેતા હતા કે હવે મોરબી ઈતિહાસ બની જશે. એના બદલે મોરબીએ એવી મહેનત કરી કે સમયના કાંટા ઝડપથી દોડ્યા. મોરબી દોડ્યું અને સ્તબ્ધ થઈ ગયેલો સમય ઊભો રહી ગયો…આવાં સમગ્ર વિશ્વનાં સેંકડો ઉદાહરણો છે. માટે સહેજે ચિંતા કરવાની જરૃર નથી. ખરેખર તો અર્થતંત્રને આપણે માથા પર ચડાવીને બેઠા છીએ, તેને નીચે ઉતારવાની જરૂર છે.
(6) ઘણા કહે છે લોકડાઉન પછી લૂંટફાટ થશે, ભૂખમરો આવશે, ગામડાં હેરાન થશે, શ્રમિકો તકલીફમાં આવશે. ગુન્હાઓ વધશે… આવી સાવ જ વાહિયાત, નકામી અને અપ્રસ્તુત વાતો સાંભળશો જ નહીં. આવું કશું જ થવાનું નથી. 130 કરોડ લોકો 10-15 વર્ષ ખાઈ શકે તેટલું છે આપણી કને. લોકડાઉનમાં ગુન્હા ઘટ્યા છે, વિવિધ કારણોથી થતાં અકુદરતી મોત અટક્યાં છે, પર્યાવરણ સુધર્યું છે તેનો રાજીપો માણોને મારા બાપ.. આંખોમાં ઝેર ભરીને શું બેઠા છો. સારા અને ભલા વિચાર કરોને. લખી રાખજો, ભારત દેશમાં આવું કશું થવાનું નથી. આ દેશને જો લોકો ઓળખે છે એમને ખબર હશે કે ભારતના જણજણમાં માનવતા ભરેલી છે. જે દેશમાં પહેલી રોટલી ગાયની અને છેલ્લી રોટલી કૂતરાની થતી હોય એ દેશ ભૂખે મરે નહીં કે કોઈને મરવા પણ ના દે મારા સાહેબ. બીજાને ખવડાવીને ઓડકાર લેનારા લોકોનો આ દેશ છે. આ દેશ વ્રત અને સદાવ્રતનો છે જેમાં બીજાનો પહેલો વિચાર કરાય છે અને બીજા કોઈ માટે ભૂખ્યા રહેવાય છે. હા, કોરોના પછી લૂંટફાટ થશે પણ એ પ્રેમની હશે અને અસંવેદનશીલતાને ભૂખે મરવું પડશે. ગરીબો અને શ્રમિકો માટેનો સમાજના દષ્ટિકોણ બદલાશે.
(7) છેલ્લે, વાચકમિત્રોને એટલું જ કહીશ કે સારપમાંથી સહેજે શ્રદ્ધા ગુમાવશો નહીં. 130 કરોડનો દેશ છે એટલે પોઝિટિવ કેસોની સંખ્યા વધવાની જ. એ સ્વાભાવિક છે. તેના માટે કોઈને દોષ ના દેશો. જે થવાનું હોય તે થાય જ છે. એ નિયતિ છે. આપણે આ મોટી આપત્તિમાંથી ઓછામાં ઓછા નુકશાન સાથે બહાર આવી જ જવાના છીએ. મનમાં રોજ પોઝિટિવ સ્પંદનો ઊભાં કરો કે કોરોના પોઝિટિવ ઓછામાં ઓછા થાય. મનની, સંકલ્પની, રચનાત્મક ઉર્જાની મોટી તાકાત હોય છે. સતત એવું રટણ કરીએ કે આપણે આમાંથી બચી જઈએ.
(8) ભારતમાં લોકડાઉન જો જૂનના અંત સુધી રહે તો ઉત્તમ. બસ, લોકોએ ધીરજ રાખવાની છે. એક પણ પૈસાનો ખર્ચ કર્યા વિના માત્ર ઘરમાં રહેવાનું છે. આ સોદો કંઈ ખાસ મોંઘો નથી. જીવનનો સોદો માત્ર એકલા ઘરમાં રહેવા સાથે થતો હોય તો વેપારી પ્રજા ના હોય તો પણ તે તરત સ્વીકારી લે તો ગુજરાતી પ્રજા તો વેપારી પ્રજા છે. ઓનલાઈન ટેકનોલોજીનો પ્રયોગ અને ઉપયોગ કરીને આપણે જૂન મહિના સુધી, એટલે કે વધુ 112 દિવસ ઘરમાં તૈયારી રાખવી જોઈએ. આપણે સામેથી સરકારને કહીએ કે અમને ઘરમાં રહેવા સામે કોઈ વાંધો નથી.
(9) દરેકને ઉજળો, આશાવાદી, નિરામય અને આનંદથી છલકતો આગામી સમય મુબારક.
ખાસ નોંધઃ ઘરમાં રહીએ, પ્રેમથી રહીએ, પોતપોતાનું કામ કરીને રહીએ, શરીરશ્રમ કરીને રહીએ, હળ્યામળ્યા વગર રહીએ, આનંદથી રહીએ, અને…. સલામત અંતર સાથે સલામત રહીએ.
(પોઝિટિવ મીડિયા માટે આલેખનઃ રમેશ તન્ના, અમદાવાદ)
Hits: 215