કોરોના વાયરસના પગલે ભારતમાં ડોક્ટર્સ, નર્સ સહિતના સ્વાસ્થ્યકર્મીઓ તરફથી પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (PPE)ની વિશાળ જરૂરિયાત પેદા થઇ છે. જોકે, કોરોના વાઇરસથી અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઝડપી વધારાને ધ્યાનમાં લેતાં PPEના સપ્લાયને પણ અસર થવાની સંભાવના પેદા થઇ છે. આ વાતને ધ્યાનમાં રાખી વડોદરા સ્થિત સ્યોર સેફ્ટી લિમિટેડે વારંવાર વાપરી શકાય તેવી (રીયુંઝેબલ) PPE કીટ્સ ડિઝાઇન કરી છે. કંપનીએ આ કીટ UKના ટેકનોલોજી પાર્ટનરની મદદથી તૈયાર કરી છે. આ ઇનોવેશન અંગે વાત કરતાં સ્યોર સેફ્ટીના મેનેજિંગ ડાયરેક્ટર અને સ્થાપક નિશિથ દંડેએ જણાવ્યું કે, યુરોપ અને USમાં તાજેતરમાં જ આ પ્રકારની કીટ્સનું ઉત્પાદન શરૂ થયું છે અને અમે હવે ભારતમાં એર ફિલ ટેક્નોલોજીના ઉપયોગથી આ પ્રકારની નવી કીટ્સ તૈયાર કરી છે. ટૂંક સમયમાં હોસ્પિટલ્સમાં આ કીટ્સની ડિલિવરી શરૂ કરવાની અમને આશા છે.
રીયુંઝેબલ કિટના કારણે બાયોમેડિકલ વેસ્ટનું પ્રમાણ ઘટશે
PPE કીટ્સને કારણે પેદા થતાં બાયોમેડિકલ વેસ્ટને કારણે પણ મોટું જોખમ પેદા થાય છે. સામાન્ય કીટને એક વાર વાપરીને ફેકી દેવી પડતી હોય છે અથવા તો તેની લાઈફ વધુમાં વધુ એક દિવસની હોય છે. આ નવી રીયુંઝેબલ કિટના કારણે બાયોમેડિકલ વેસ્ટનું પ્રમાણ પણ ઓછુ થશે. ભારત જેવા દેશમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ એક મોટો પ્રશ્ન છે ત્યારે આવી કીટ ઘણી ઉપયોગી સાબિત થઇ શકે છે.
સરકાર અને ખાનગી હોસ્પિટલ સાથે વાતચીત ચાલુ
કંપનીના ડિરેક્ટર શ્રીકાંત જૈનાપુરે જણાવ્યું કે, આ કીટને અમે ભારત સરકાર અને દેશની અન્ય ખાનગી હોસ્પિટલોમાં સપ્લાય કરવા ધારીએ છીએ. આ માટે અમે રાજ્ય અને કેન્દ્ર સરકાર તેમજ પ્રાઈવેટ હોસ્પિટલ્સ સાથે વાત કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં અમે તેની સપ્લાય શરુ કરીશું.
કંપનીએ 25 કીટ તૈયાર કરીને UKમાં નિકાસ કરી
શ્રીકાંત જૈનાપુરે જણાવ્યું કે, અમે રીયુંઝેબલ PPE કીટ અમારા UK સ્થિત ટેક્નોલોજી પાર્ટનરની મદદથી તૈયાર કરી હતી અને તેનું ઉત્પાદન અમારી વડોદરાના પ્રોડક્શન યુનિટમાં કરવામાં આવ્યું છે. થોડા સમય પૂર્વે અમે 25 જેટલી કીટ તૈયાર કરીને UKમાં નિકાસ કરી કરી હતી. આ ઉપરાંત ભારતમાં પણ જે પ્રમાણે માગ આવશે તે રીતે ઉત્પાદન કરીને તેની સપ્લાય કરવામાં આવશે.
ટૂંક સમયમાં PPE કિટ્સનું ઉત્પાદન વધારવામાં આવશે
કોવિડ-19 માટે PPE બનાવવા માટે ભારત સરકાર દ્વારા કેટલીક કંપનીઓની પસંદગી કરવામાં આવી છે, જેમાં સ્યોર સેફ્ટી પણ સામેલ છે. અત્યાર સુધીમાં કંપનીએ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય અને ગુજરાત સરકારને 60,000 PPE કીટ્સ ડિલિવર કરી છે. ટૂંક સમયમાં સ્યોર સેફ્ટી માસિક ઉત્પાદન ક્ષમતા વધારીને 1.8 લાખ કીટ્સ કરવાની યોજના ધરાવે છે.
Hits: 89