રાજ્યના 245 દર્દીમાંથી એકલા અમદાવાદમાં જ 133 કેસ
245 પોઝિટિવ કેસમાંથી 176 લોકલ ટ્રાન્સમિશનના કેસ
રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પરંતુ બપોરે વડોદરામાં વધુ 4 પોઝિટિવ કેસ નોંધાતા કોરોનાના કુલ 245 દર્દીઓ થયા છે. જેમાંથી 17ના મોત થઈ ગયા છે અને 26 સાજા થયા છે. તેમાં પણ અમદાવાદમાં આજે 50 નવા કેસ સામે આવતા શહેરમાં કુલ 133 કોરોનાના દર્દીઓ થયા છે. સાવચેતી અને સુરક્ષાના ભાગરૂપે રાજ્યના 90 હજાર પોલીસકર્મીઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું છે અને હાલ સુધી કોઇને કોરોના નથી. ગઇકાલે એમ્બ્યુલન્સમાં દારૂની હેરફેરનો કેસ પકડાયો હતો. આવશ્યક સેવા આપનારાઓ સહિત તમામે સોશિયલ ડિસ્ટન્સિંગની માર્ગદર્શિકાનું પાલન કરવું જ પડશે. કેટલાક લોકો ખરીદી કરવાના બહાને બહાર ફરવા નીકળે છે. જ્યાં લોકડાઉનનો અમલ કરવામાં આવતો નથી ત્યાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવશે. અમદાવાદમાં કોરોના પોઝિટિવના કેસોમાં સતત વધારો થતાં આરોગ્યની ટીમ દ્વારા સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આ આરોગ્યની ટીમને પુરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવ્યો હોવાનું રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે.
રાજ્યમાં એક જ દિવસમાં 55 પોઝિટિવ કેસ
કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે,ગઇકાલ સાંજથી અત્યારસુધીમાં રાજ્યમાં 55 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 241 પોઝિટિવ કેસ થયા છે અને કુલ મૃત્યાંક 17એ પહોંચ્યો છે. જેમાંથી અમદાવાદમાં 50, સુરતમાં બે અને દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ નોંધાયા છે. જ્યારે આજે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તબલીઘના કારણે ગુજરાતમાં કેસોમાં વધારો થયો છે. ક્લસ્ટર અને હોટસ્પોટ વિસ્તારમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યું હોવાથી કેસમા વધારો થઇ રહ્યો છે. હોટસ્પોટ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં સંક્રમણ વધ્યું છે અને આગામી દિવસોમાં પણ આ વિસ્તારોમાં પોઝિટિવ કેસ વધી શકે છે.
Hits: 49