સયાજી હોસ્પિટલ ખાતે આજે દાખલ થયેલાં કારેલીબાગના 60 વર્ષિય વૃદ્ધનું કોરોનાને કારણે મોત નિપજતાં કુલ મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે કુલ 6 દર્દીઓનો ઉમેરો થતાં શહેરનો કોરોના પોઝિટીવ આંક 145 પર પહોંચ્યો હોવાનું મહાનગર પાલિકાની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.
વડોદરા સહિત દેશભરમાં કોરોના ચિંતાજનક સ્થિતિ સર્જી રહ્યો છે. ગઈકાલે શહેરમાં કોરોના પોઝિટીવ દર્દીના મોત બાદ આજે બીજા દિવસે પણ વધુ એક મોત કોરોનાને કારણે નોંધાયું છે. કારેલીબાગ વિસ્તારમાં પશુ હોસ્પિટલ પાછળ રહેતાં 60 વર્ષિય અબ્દુલ અજબાર સુલેમાન દૂધવાલાની તબિયત લથડતાં તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. ત્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. અને સાંજના સમયે સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન નિપજ્યું હતું. આ મૃત્યુ સાથે કોરોનાને કારણે વડોદરા શહેરનો મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે.
આજે દિવસ દરમિયાન નાગરવાડા વિસ્તારના 4, વાડી સ્થિત નાના શનિમંદિર પાસે રહેતાં 1 અને મૃત્યુ પામેલા કારેલીબાગના વૃદ્ધ સહિત કુલ 6 દર્દીઓ કોરોના પોઝિટીવ જણાઈ આવ્યા હતાં. જેને પગલે આજે કોરોના પોઝિટીવનો આંકડો 145 પર પહોંચ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કોર્પોરેશનના અધિકારી દ્વારા જાહેર કરાતી વિગતોમાં સંખ્યાબંધ વિસંગતતાઓ તેમજ ભૂલો જણાઈ આવી રહી છે. એમાં આજે સવારે જાહેર કરાયેલી યાદીમાં પુરુષ દર્દીને મહિલા અને મહિલા દર્દીને પુરુષ તરીકે દર્શાવાયા હતાં. સાંજે 7.11 કલાકે જાહેર કરાયેલી યાદીમાં આ ભૂલ સુધારી લેવામાં આવી હતી.
Hits: 63