Breaking News

અમદાવાદમાં કેન્સર અને કિડની હોસ્પિટલમાં કોવિડની સારવાર માટે 500 બેડની હોસ્પિટલ ગઈ કરાઈ

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી મેડિસિટીમાં ઊભી કરાયેલી અદ્યતન ૧૨૦૦ બેડની હોસ્પિટલને કોવિડ ૧૯ માટે ડેજીગ્નેટેડ કર્યા બાદ હાલ મહાનગરમાંથી રોજેરોજ વધી રહેલા કોરોનાના દર્દીઓના લીધે તાબડતોબ કેન્સર તથા કિડની હોસ્પિટલ્સમાં કુલ વધારાના ૫૦૦ બેડ કોવિડ પેશન્ટ માટે ઉમેરવામાં આવ્યા છે, તેમ અમદાવાદની સમગ્ર સ્થિતિ માટે ચાર્જમાં મુકાયેલા મહેસૂલ વિભાગના અધિક મુખ્યસચિવ પંકજકુમારે જણાવ્યું છે.

આજે સરકારના વરિષ્ઠ અધિકારી પંકજકુમાર ઉપરાંત આરોગ્ય અગ્રસચિવ ડો. જયંતિ રવિએ મેડિસિટીની ડેજીગ્નેટેડ કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૨૧ માર્ચે આ કેમ્પસની મુલાકાત લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી મુકેલી આ હોસ્પિટલમાં કાર્યરત વિવિધ વોર્ડને ફરીથી જૂના બિલ્ડીંગમાં શિફ્ટ કરી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલ બનાવવા સૂચના આપી હતી. આ માટે વરિષ્ઠ સનદી અધિકારી પંકજકુમારને જવાબદારી સોંપી હતી. હવે આ હોસ્પિટલમાં પણ પેશન્ટની સંખ્યા પૂર્ણ ક્ષમતાએ પહોંચી ગઇ છે એવા સમયે તાત્કાલિક આ જ કેમ્પસમાં કાર્યરત કેન્સર અને કિડની હોસ્પિટલમાં આઇસીસીયુ સાથે કુલ ૫૦૦ બેડ વધારાના કોવિડ પેશન્ટ માટે અલાયદા કરી દેવાયા છે, તેમ અધિક મુખ્યસચિવ પંકજ કુમારે જણાવ્યું હતું.

તેમના કહેવા પ્રમાણે હાલ ૧૨૦૦ બેડની ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં ૨૨૪ આઇસીસીયુ બેડ, ૯૬ ડાયાલિસીસ મશીન, ૧૬૦ વેન્ટીલેટર્સ ઉપરાંત સગર્ભા મહિલાઓ માટે લેબર રૂમ અને એમની સાથે નાના બાળક હોય તો અલાયદો બાળકોનો રૂમની પણ સુવિધા છે, તેમ તેમણે જણાવ્યું હતું. તેમના કહેવા પ્રમાણે, હવે નવી ૫૦૦ બેડની સુવિધામાં ૩૦૦ આઇસીસીયુ બેડ છે એમાં પણ અદ્યતન સુવિધા ઉપરાંત સિટી સ્કેન તથા અન્ય તમામ લેબ પણ એક જ સ્થળે ઉપલબ્ધ હોય એવું ભારત આખામાં આ સ્થળ છે.

આરોગ્ય અગ્રસચિવ ડો. રવિએ માહિતી આપી કે, અહીં ચોવીસ કલાક ૩૬ નિષ્ણાત સિનિયર ફેકલ્ટી મેમ્બર, ૧૩૬ રેસિડેન્ટ ડોક્ટરો, ૩૬૬ નર્સિંગ સ્ટાફ કોવિડ પેશન્ટની સારવારમાં છે. ૯૦ મેડિકલ ઓફિસરો તેમજ ૪૫૦ વર્ગ-૪ના કર્મચારીઓ ખડેપગે સેવા આપે છે. દરેક પેશન્ટને સવારથી રાત સુધીમાં સાત વખત ચા, નાસ્તો, ગરમ દૂધ, ફળ, જમવાનું, ઉકાળો, દવા વગેરે આપવામાં આવે છે. દરેક વોર્ડમાં ટીવીની સુવિધા છે. કોઇને યોગ, પ્રાણાયામ કરવું હોય તો એની વ્યવસ્થા કરાઇ છે. તેમના કહેવા પ્રમાણે, સમગ્ર મેડિસિટીને ઇન્ફેક્શન કન્ટ્રોલ કરવા સતત સ્પ્રિન્કલર મશીનથી દવાનો છંટકાવ કરાય છે.

ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે હવે શહેરની ખાનગી હોસ્પિટલોના ક્રિટિકલ કેર નિષ્ણાતોની પણ આ મેડિસિટીની કોવિડ હોસ્પિટલને મદદ મળવાની છે. સરકારનો પ્રયાસ છે કે ક્રિટિકલ કેરમાં રહેલા દર્દીઓને મહત્તમ અદ્યતન અને શ્રેષ્ઠ સારવાર મળે, એમના જીવને બચાવવાના ઉત્તમ પ્રયાસ થાય, તેમ તેમણે ઉમેર્યું હતું.

Hits: 150

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?