21 દિવસના લોકડાઉનથી અર્થતંત્રને અંદાજે રૂ. 9 લાખ કરોડનું નુકસાન થવાની સંભાવના છતાં માનવ જિંદગીને થનાર નુકસાન વધુ મોટું
દિલ્હી, તેલંગણા, કેરળ અને મહારાષ્ટ્રે લોકડાઉન વધારવાની હિમાયત કરી, ભાજપશાસિત રાજ્યો પૈકી એકમાત્ર શિવરાજ લોકડાઉન વધારવાના સમર્થનમાં
કોરોના મહાસંકટનો સામનો કરવા કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનના પગલે ઘરોમાં પૂરાઈ રહેલાં પરિવારોની મુશ્કેલી અને અર્થતંત્રને થનાર અંદાજિત રૂ. 9 લાખ કરોડના ગંજાવર નુકસાન છતાં કેટલાંક રાજ્યોના મુખ્યમંત્રીઓ કોરોનાથી માનવજિંદગીના થનાર નુકસાનના ભય સામે લાલબત્તી ધરીને લોકડાઉન વધારવાની તરફેણ કરી રહ્યા છે. મધ્યપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, કેરળ અને દિલ્હી તેમાં મુખ્ય છે.
આર્થિક નુકસાન છતાં જિંદગીનું નુકસાન વધુ મોટું
એક અંદાજ પ્રમાણે 21 દિવસના લોકડાઉનને લીધે સમગ્ર દેશના ધંધા-વેપાર ઠપ્પ થઈ જવાથી આશરે રૂ. 9 લાખ કરોડનું નુકસાન થઈ શકે છે. લાખો લોકો બેરોજગાર થઈ રહ્યા છે અને રોજિંદી કમાણી પર આધારિત લાખો પરિવારો અત્યંત બદહાલ સ્થિતિમાં મૂકાઈ શકે છે. આ દરેક ભયની સામે બીજો સૌથી મોટો ભય એ છે કે હાલ ચુસ્ત લોકડાઉન છતાં દેશભરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ભયજનક ઝડપે વધી રહ્યું છે. જો લોકડાઉન હટાવી દેવામાં આવે તો સોશિયલ ડિસ્ટન્સિંગ પૂર્વવત્ થઈ જશે, જેને લીધે સંક્રમણ અને મૃત્યુનો દર વધવાની ભીતિ સર્જાશે.
વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવાની તરફેણમાં
ગત ગુરુવારે વડાપ્રધાને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી એ પછી સોમવારે કેન્દ્રિય મંત્રીઓ સાથે પણ ઉચ્ચ સ્તરની બેઠક કરીને લોકડાઉન વધારવા કે મર્યાદિત કરવા અંગે પ્લાન માંગ્યા હતા. વીડિયો કોન્ફરન્સમાં દરેક મુખ્યમંત્રીઓએ પોતપોતાના રાજ્યોની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ લોકડાઉન વધારવાની હિમાયત કરી હતી. તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે પણ એવું નિવેદન કર્યું છે કે, અર્થતંત્રને પછી ય બેઠું કરી શકાશે પરંતુ હાલ તો જિંદગી બચાવવી એ જ પ્રાથમિકતા હોવી ઘટે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ અગાઉથી જ લોકડાઉનની મુદત વધારવાની હિમાયત કરી ચૂક્યા છે. દેશભરમાં લોકડાઉન છતાં કેરળે કેટલાંક ક્લ્સ્ટર વિસ્તારોમાં કર્ફ્યુનો કડક અમલ કરાવ્યો છે.
મુખ્યમંત્રી પી. વિજયન પણ લોકડાઉન વધારવાના સમર્થક છે. હાલમાં એકમાત્ર ભાજપશાસિત રાજ્ય મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લોકડાઉન વધારવાનું સમર્થન કર્યું છે. જ્યારે ભાજપશાસિત અન્ય રાજ્યો કેન્દ્રના આદેશની રાહ જોઈ રહ્યા જણાય છે.
Hits: 103