જામનગરના દરેડ વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારના 14 મહિનાના બાળકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જામનગરમાં આ પ્રથમ કેસ નોંધાયો છે. આથી આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. બાળકને કોરોના ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. બાળકના પરિવારે જામનગર છોડ્યું નથી તો બાળકને સંક્રમણ કેવી રીતે લાગ્યું તે આરોગ્ય વિભાગ માટે પડકારરૂપ બન્યું છે. ચાર દિવસ પહેલા બાળકમાં તાવ, શરદી અને ઉધરસના લક્ષણો જણાતા માતા-પિતા સરકારી હોસ્પિટલે લઇ ગયા હતા અને તબીબે પણ દવા આપી ઘરે મોકલી દીધા હતા. હોસ્પિટલમાં કોઇનું સંક્રમણ લાગ્યું હોય તે વાતને નકારી શકાય નહીં. બાળક જે વિસ્તારમાં રહે છે ત્યાં અન્ય રાજ્યના હિન્દીભાષી શ્રમિકો પણ રહે છે.તેના દ્વારા સંક્રમણ થયાનું પણ માનવામાં આવી રહ્યું છે.
લોકલ ટ્રાન્સમિશનની શક્યતાથી તંત્ર ઉંધા માથે થયું
બાળકના માતા-પિતામાં કોરોનાના લક્ષણો હોય તેને ક્વોરન્ટીન કરાયા છે. તેમજ સેમ્પલ પરીક્ષણ માટે મોકલાયા છે. લોકલ ટ્રાન્સમિશનની શક્યતાથી તંત્ર ઉંધામાથે થયું છે. 14 મહિનાને બાળકને કોરોના પોઝિટિવ કેમ આવ્યો તે માટે તે અંગે તંત્ર તપાસ કરી રહ્યું છે. લોકલ ટ્રાન્સમિશનના કારણે બાળક કોરોનાની ઝપેટમાં આવ્યો હોવાની શક્યતા છે. સંક્રમિતનાસંપર્કમાં આવેલા લોક લક્ષણો ન હોય તો પણ આરોગ્ય વિભાગનો સંપર્ક કરે તેવો અનુરોધ કર્યો છે.
અન્ય તકલીફો છે એટલે આંતરિક સંક્રમણનો કિસ્સો હોય તેવું લાગે છે: બાળરોગ નિષ્ણાંત
રાજકોટના બાળરોગ નિષ્ણાંત ડો. મેહુલ મિત્રાએ જણાવ્યું હતું કે બાળકને જો સિવિલ લઈ ગયા હોય તો ત્યાં કોઈ અન્ય દર્દીને કોરોનના લક્ષણો હોય તો બાળકમાં આવી ગયા હોય તેવું બને. કારણ કે બાળક હોવાથી તેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. આથી તે સિવિલ ગયા હોય અને ત્યાંથી તેને કોરોના વાઇરસનો ચાન્સ વધારે રહે છે. સિવિલ આવેલા અન્ય દર્દીઓને પણ કોરોનાના લક્ષણો હોય પરંતુ તે અજાણ હોય તેવું પણ બને. કોરોના હોય તે દર્દીને પણ એક વીકથી 15 દિવસ પછી અંદાજ આવતો હોય છે. અન્ય તકલીફો છે એટલે આંતરિક સંક્રમણનો કિસ્સો હોય તેવું લાગે છે. અન્ય કોઇ વસ્તુથી આ બન્યું હોય તેવું લાગતું નથી. અમે પણ રાજકોટમાં 70થી 80 ટકા કેસમાં બાળકોને હોસ્પિટલ લઈ આવવાની ના પાડીએ છીએ. ફોન પર જ દવાઓ સમજાવીએ છીએ.
લક્ષણો ન હોવા છતાં બાળકના સંપર્કમાં આવેલા લોકો આરોગ્ય વિભાગનો સંપર્ક કરે: કલેક્ટર
જામનગરમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાતા કલેકટર રવિશંકરે લોકોને જણાવ્યું હતું કે, હાલમાં જામનગરમાં જે પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો છે તે 14 મહિનાનું બાળક છે. આ રોગ સંક્રમણથી થાય છે એટલે કે તેને તેના માતા-પિતા અથવા આજુબાજુની વ્યક્તિ પાસેથી લાગુ પડવાની શક્યતા છે. બાળકની પરિસ્થિતિ અત્યારે ગંભીર છે, બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. આવનારા દિવસોમાં તેની તબિયત સુધરે તે માટે દરેક જામનગરવાસી પ્રાર્થના કરે તેવો અનુરોધ છે. સાથે જ જણાવ્યું હતું કે, દરેડ વિસ્તારમાં આ પોઝિટિવ કેસ આવેલ હોવાથી હાલ દરેડ વિસ્તારને સંપૂર્ણ ક્વોરન્ટીન કરવામાં આવ્યો છે. દરેડમાંથી અવરજવર બંધ કરવામાં આવી છે. ત્યારે આ વિસ્તારમાં અને તેની આજુબાજુના વિસ્તારમાં ઘણા અન્ય રાજ્યોના હિન્દીભાષી શ્રમયોગીઓ પણ રહેતા હોય દરેકને જણાવવાનું કે, આ વિસ્તારમાં આ બાળકના કે તેના માતા-પિતાના સંપર્કમાં જો કોઈ પણ વ્યક્તિ આવી હોય તેમને વર્તમાનમાં કોઈ શંકાસ્પદ લક્ષણો દેખાતાં ન હોય છતાં પણ તેઓ તંત્રનો સંપર્ક કરે. આ રોગના લક્ષણો 14 દિવસની અંદર દેખાતા હોય કોઈ પણ વ્યક્તિને આ ચેપી રોગ લાગુ પડી શકે છે. કલેકટરે અપીલ કરી હતી કે, લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે જેથી તેઓ સલામત રહી શકે અને તેમના પરિવારના સભ્યોને પણ સલામત રાખી શકે.
Hits: 36