લોકડાઉનનુ પાલન કરાવવા માટે પોલીસ દિવસ રાત રસ્તા પર છે. આ વિકટ પરિસ્થિતિમાં પોલીસ, આરોગ્ય વિભાગ અને મીડિયા કર્મીઓ જીવના જોખમે કામ કરી રહ્યાં છે. ત્યારે પોલીસની કામગીરીને જ્યારે મીડિયા બિરદાવે એ પોલીસ અધિકારીઓને ખૂબ સારૂ લાગે છે. પરંતુ જ્યારે પોલીસ શિસ્ત નેવે મૂકી લાઠી ઉગામે ત્યારે જવાબદારીના ભાગરૂપે મીડિયા કર્મી આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરે તેમાં ખોટુ શુ છે ? જોકે આ દ્રશ્યો કેમેરામાં કેદ કરનાર એક ખાનગી ચેનલના કેમેરામેનને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટરે જાહેરમાં લાફા ઝીંકી દીધા હતા.
19મી એપ્રિલની સવારે બનેલી ઘટનાએ પોલીસે અત્યાર સુધીની કરેલી કામગીરી ઉપર પાણી ફેરવી દીધુ છે. રવિવારે સવારે એક ખાનગી ચેનલનો કેમેરામેન તેની ફરજ પર જવા માટે સવારે ઘરેથી નિકળ્યો હતો. તેવામાં આ કેમેરામેનના નિયમીત રસ્તા પર કેટલાક લોકો સોશીયલ ડીસ્ટન્સીંગનુ પાલન ન કરતા હોવાનુ નજરે પડ્યું હતુ. એટલે તે પોતાનુ બાઇક સાઇડ પર ઉભુ રાખી બેગમાંથી કેમેરો કાઢવાજ જઇ રહ્યો હતો, ત્યાં તો અચાનક ભાગદોડ મચી હતી. અને એક પોલીસ અધિકારી શાક-ભાજીના ટેમ્પો ચાલક પર લાકડી વીંઝતો કેમેરામેનની નજરે પડ્યો હતો.
એક મીડિયા કર્મી તરીકે કેમેરામેને પોતાના મોબાઇલ ફોનમાં આ દ્રશ્યો કેદ કર્યાં હતા. તેવામાં અચાનક લાકડી વીંઝી રહેલા પોલીસ અધિકારીની નજર આ મીડિયા કર્મી ઉપર પડી હતી. આ પોલીસ અધિકારી બીજુ કોઇ નહીં પણ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વાણીયા હતા. જેમણે કંઇ પણ વિચાર્યા અને સમજ્યા વિના આ મીડિયા કર્મી સાથે ઝપાઝપી કરી તેનો મોબાઇલ જપ્ત કરી જાહેરમાં લાફા માર્યા હતા.
શાંત સ્વભાવનો આ કેમેરામેને કંઇ પણ કહ્યાં વિના ત્યાંથી નિકળી ગયો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલો ઉચ્ચ અધિકારી સુધી પહોંચ્યો હતો. જેથી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર વી.આર વાણીયાએ જેને જાહેરમાં લાફા માર્યા હતા તેને પોલીસ સ્ટેશનમાં બોલાવી મોબાઇલ ફોન પરત કરી વીડિયો ડીલીટ કરાવ્યો હતો. જ્યારે ઇન્સ્પેક્ટર વાણીયા આ કેમેરામેન સાથે દૂર વ્યવહાર કરી રહ્યાં હતા ત્યારે આ કેમેરામેને પોતે મીડિયા કર્મી હોવાની ઓળખ આપી આઇકાર્ડ પણ બતાવ્યું હતું. પરંતુ જોશમાં હોશ ગુમાવી બેઠેલા ઇન્સ્પેક્ટરને પોતાની ભૂલ પાછળથી સમજાઇ હતી.
પોલીસની અત્યાર સુધીની કામગીરીને મીડિયા બિરદાવતુ જ આવ્યું છે માત્ર અમુક ઘટનાઓને (જે યોગ્ય ન હતી તેવી ઘટનાઓ) બાકાદ રાખતા. લોકડાઉનનુ પાલન કરાવવામાં પોલીસ જેટલી મહેનત કરી રહીં છે કદાચ એટલોજ જીવનો જોખમ મીડિયા કર્મીઓ પણ ઉઠાવી રહ્યાં છે. એટલે મીડિયા કર્મી ઉપર આ રીતે હાથ ઉગાવમવો એ યોગ્ય નથી, કારણ કે પોલીસ ટ્રેનીંગમાં સૌથી પહેલો પાઠ શિસ્તાનો શીખવાડવામાં આવે છે.
Hits: 109