– ત્રણ દિવસ ૧૫ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે
– નલિયા ૯ ડિગ્રી સાથે ઠંડુંગાર : રાજકોટમાં ૧૨.૪, ગાંધીનગરમાં ૧૩ ડિગ્રી તાપમાન
અમદાવાદ,મંગળવાર
અમદાવાદમાં પણ હવે કાતિલ ઠંડીના પ્રભુત્વમાં સતત વધારો થઇ રહ્યો છે. ૧૩.૩ ડિગ્રી સાથે અમદાવાદમાં વર્તમાન સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. બીજી તરફ ૯ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર રહ્યું હતું.
હવામાન વિભાગના મતે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થવાની સંભાવના નહિવત્ છે. અમદાવાદમાં ૧૩.૩ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨ ડિગ્રીનો ઘટાડો થયો હતો જ્યારે સરેરાશ મહત્તમ તાપમાન ૩૧.૪ ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદમાં આગામી ત્રણ દિવસ દરમિયાન ૧૫ ડિગ્રીની આસપાસ સરેરાશ લઘુતમ તાપમાન રહે તેની સંભાવના છે. છેલ્લા પાંચ વર્ષમાં નવેમ્બરનું સૌથી નીચું તાપમાન જોવામાં આવે તો ૨૦૧૮માં૧૮ નવેમ્બરના ૧૪.૨, ૨૫ નવેમ્બર ૨૦૧૭ના ૧૧.૬, ૧૦ નવેમ્બર ૨૦૧૬ના ૧૩.૧, ૨૮ નવેમ્બર ૨૦૧૫ના ૧૩ ડિગ્રી ઠંડી નોંધાઇ હતી.
ગત રાત્રિએ રાજ્યના અન્ય શહેરમાંથી ડીસામાં ૧૩.૨, વડોદરામાં ૧૩.૪, સુરતમાં ૧૭, રાજકોટ-કેશોદમાં ૧૨.૪, ભાવનગરમાં ૧૫.૬, પોરબંદરમાં ૧૩.૯, ભૂજમાં ૧૪.૬, સુરેન્દ્રનગરમાં ૧૪.૫, અમરેલીમાં ૧૨.૮, ગાંધીનગરમાં ૧૩, દીવમાં ૧૪.૩, વલસાડમાં ૧૪.૫, આણંદમાં ૧૬.૨ ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું.
Hits: 38