લોક ડાઉનમાં ઓફિસો બંધ હોવા છતાં ટોરેન્ટ પાવરે રાહત આપવાની જગ્યાએ છેલ્લા મહિનાના બિલ કરતા 30 થી 40 ટકા રકમ વધારી તગડી રકમના એસ્ટીમેટેડ બિલ મોકલતા વેપારીઓ રોષે ભરાયા છે. રાજ્ય સરકારે જીઈબીને સૂચના આપી લોકોને બિલમાં રાહત આપી જ્યારે ટોરેન્ટ પાવરે રાહત આપવાની જગ્યા એ 30 થી 40 ટકા વધારા સાથે બિલ મોકલ્યા છે. ટોરેન્ટ પાવરની આ નીતિને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. આ મામલે સરકારને રજુઆત કરવાની તૈયારીઓ થઇ રહી છે.
વેપારી અને ઓફિસ સંચાલકોની દલીલ છે કે, લોકડાઉનમાં 21 દિવસ ઓફિસો બંધ રહી છે. આમ છેલ્લા બીલની તુલનામાં નવું બિલ ઓછી રકમનુ આવે તે સ્વાભાવિક છે. જો કે ટોરેન્ટ પાવરે જે એસ્ટીમેટેડ બિલ મોકલ્યું તેમાં રાહત આપી નથી.
ગ્રાહક સુરક્ષાના પ્રમુખ મુકેશ પરીખે જણાવ્યું કે, સરકારે લોન હપ્તા,વ્યાજમાં માફી આપી, લોકોને અનાજની સહાય કરી પણ ટોરેન્ટ પાવરે સહાય આપવાની જગ્યાએ લોકોને પરેશાન કર્યા છે. બિલ ઓછું આવવું જોઈએ તેની જગ્યાએ વધુ બિલ આવ્યું છે.
કારંજ વિસ્તારમાં ઑફિસ ધરાવતા અસલમ શેખએ જણાવ્યું હતું કે, ટોરેન્ટ પાવર લોકોને રાહત ના આપી શકે પણ તગડી રકમનુ લાઈટ બિલ મોકલતા પહેલા એસ્ટીમેટેડ બીલની ગણતરી તો બરાબર કરે. છેલ્લા લાઈટ બીલની તુલનામાં એસ્ટીમેટેડ બીલની રકમ 30 થી 40 ટકા વધુ છે.
Hits: 1037