Breaking News

Ground Zero Report: અમદાવાદની સરહદો પર પોલીસનો કડક બંદોબસ્ત: રિક્ષાનો ભાવ રૂપિયા 1000

શહેરમાં વધતા જતા કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે, જેની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે. આ માટે અમદાવાદની સરહદો પર પોલીસ તહેનાત કરી દેવાઈ છે અને કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. શહેરના રહેવાસીઓ અને GJ-01 પાસિંગનાં વાહનોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જેને કારણે શહેરમાં આવતા અન્ય જિલ્લાના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે.

સનાથલ સર્કલ પર મુસાફરો મુશ્કેલીમાં, પાંચ ગણું ભાડું વસૂલાય છે
શહેરની સરહદ સીલ કરવામાં આવતાં સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોને સનાથલ ચોકડી પાસે અટકાવી દેવામાં આવ્યા છે. સનાથલના એન્ટ્રી પોઇન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. દરેક વાહનચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. વેલિડ ડોક્યુમેન્ટ ન હોય અથવા યોગ્ય કારણ ન જણાવી શકનારને શહેરમાં પ્રવેશ આપવામાં આવતો નથી. શહેરમાં પ્રવેશ ન મળવાને કારણે મુસાફરોને પરત જવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. પરત જવા માગતા મુસાફરો પાસેથી પાંચથી દસ ગણું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે.

વાહન નથી મળતું, પ્રાઇવેટ વાહન 2000 જેટલું ભાડું કહે છેઃ મુસાફરો
સનાથલ ચોકડી પર ફસાયેલા મુસાફરોએ DivyaBhaskarને જણાવ્યું હતું કે હું આંધ્રપ્રદેશથી આવ્યો છું અને અહીં ફસાયો છું. કોઈ લઈ જતું નથી. પ્રાઈવેટ વાહન દ્વારા 1500થી 2 હજાર રૂપિયા ભાડું માગવામાં આવી રહ્યું છે. કેવી રીતે જઈએ. કાલ રાતના ખાધા-પીધા વગરના બેઠા છીએ. હરિયાણા રોહતકથી આવેલા વિકાસભાઈએ જણાવ્યું હતું કે 10 વાગ્યે ટ્રેનમાંથી ઊતર્યા બાદ બસમાં બેસાડવામાં આવ્યા હતા અને બાદમાં અધવચ્ચે ઉતારી દેવામાં આવ્યા છે. ત્યાંથી ચાલીને અહીં પહોંચ્યા છીએ. કોઇ વાહન મળતું નથી.

વૈષ્ણોદેવી સર્કલ પર શહેરમાં પ્રવેશતા લોકોને અટકાવાયા
ઉત્તર ગુજરાત તરફથી આવી રહેલા મુસાફરોને વૈષ્ણોદેવી સર્કલ પાસે રોકવામાં આવી રહ્યા છે. જે મુસાફરો યોગ્ય કારણ જણાવે છે તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, જ્યારે અન્યને પરત ફરવા જણાવવામાં આવી રહ્યું છે. જેને કારણે ઘણા લોકોએ પોલીસ સાથે ઘર્ષણમાં ઊતરવું પડ્યું છે. જ્યારે ખાનગી બસોને શહેરમાં પ્રવેશબંધી હોવાથી મુસાફરોને ત્યાં જ ઉતારી દેવામાં આવતાં તેઓ ત્યાં જ અટવાયા છે.

વડોદરા અને દક્ષિણ ગુજરાત તરફથી આવતા મુસાફરો એક્સપ્રેસ હાઇવે પાસે અટવાયા
દક્ષિણ ગુજરાત અને વડોદરા સહિતના વિસ્તારથી આવતા મુસાફરોને ખાનગી બસો દ્વારા એક્સપ્રેસ હાઈવે પાસે ઉતારી દેવામાં આવ્યા છે, જેના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો બીજી તરફ ખાનગી વાહનો લઇને આવી રહેલા લોકોને શહેરમાં પ્રવેશ આપવામાં ન આવતાં તેમને પરત ફરવાનો વારો આવ્યો છે.

Hits: 151

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?