ગુજરાતમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ગઈ છે, જેને કારણે અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બર એમ બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જ્યારે અન્ય શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યું જાહેર કર્યો છે. અમદાવાદમાં પણ 23 નવેમ્બરથી રાત્રિ કર્ફ્યુંનો અમલ કરાશે જ્યારે દિવસનો કર્ફ્યું હટાવી લેવાયો છે. જો કે આ ચારેય શહેરમાં રાત્રિ કર્ફ્યું લાગું કર્યો હોવાથી લગ્નો પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. જેને કારણે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ, ભાવનગરમાં 7500 જેટલા લગ્નો અટવાયા છે. તેમજ લગ્નો માટે પાર્ટી પ્લોટ, કેટરિંગ, મંડપ ડેકોરેશન સહિતનું બુકિંગ કરાવનારા પણ દ્વીધામાં મુકાયા છે. લગ્નની તારીખો નજીક આવી ગઈ છે એવામાં કોરોનાને લીધે સરકારના નિયમોએ મુશ્કેલી ઉભી કરી છે. પાર્ટી પ્લોટ સહિતના ઓર્ડરો કેન્સલ કરાવવા અને નવી વ્યવસ્થા ગોઠવવા દોડધામ શરૂ થઈ છે. ત્યારે આયોજકો દુવિધામાં મૂકાયા છે અને કહી રહ્યા છે કે, રાત્રિ કર્ફ્યૂને કારણે ઓર્ડરો કેન્સલ થઈ શકે છે.
રાત્રિ કર્ફ્યું લાગુ થવાને કારણે જે પરિવારમાં લગ્ન છે તેમના જીવ તાળવે ચોંટ્યા છે. ઘણાં પરિવારોમાં એકની એક દીકરીના લગ્ન છે તો કોઈ પરિવારમાં એકના દીકરીના લગ્ન છે. તેમજ લગ્ન માટે પાર્ટી પ્લોટ, જમણવાર અને મંડપ-લાઈટ ડેકોરેશનના પેમેન્ટ પણ થઈ ગયા હોવાથી સૌ કોઈ ચિંતામાં મુકાયા છે.
અમદાવાદના કર્ફ્યૂમાં 1700 લગ્નો અટવાયાં, મોટા ભાગના રદ
અમદાવાદ શહેરમાં 21 અને 22 નવેમ્બરે કર્ફ્યૂં લદાતા 1700 લગ્નો પર કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું છે. વેડિંગ ઇવેન્ટ હવે શરૂ થઈ જતાં જ ફરી કર્ફ્યૂ અને નાઈટ કર્ફ્યૂ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાય 8 મહિના બાદ ફરી શરૂ થતાં જ બંધ થઈ ગયો છે. અમદાવાદમાં શનિવારે 500 અને રવિવારે 1200 એમ કુલ 1700 લગ્નના બુકિંગ થયા હતા. જે રદ કરવા પડ્યા છે. માત્ર એટલું જ નહીં લોકોના ત્યાં મહેમાનો પણ આવી ગયા હતા અને પાર્ટી પ્લોટ બુકિંગ થઈ ગયા હતા. જેને કારણે લગ્ન કરનારા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 500થી વધુ લગ્ન, પરમિશન માટે દોડધામ
આ અઠવાડિયામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 500થી વધુ લગ્ન છે. ત્યારે જે ઘરમાં લગ્ન પ્રસંગ યોજાવાના છે તે લોકોને હવે શું કરવું તે પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે લગ્ને હવે 4-5 દિવસની જ વાર હોવાથી મંડપ સર્વિસ, કેટરિંગ અને લાઈટ ડેકોરેશન સહિતનું બુકિંગ થઈ ગયું છે અને પેમેન્ટ પણ ચૂકવાઈ ગયું છે.બીજી તરફ પરમિશન માંગવા માટે જાય છે તો હજુ કોઈ પરિપત્ર મળ્યો નથી તેવું તંત્ર દ્વારા કહેવામાં આવે છે.
વડોદરામાં ફેબ્રુઆરીમાં સુધીમાં 1000 લગ્નો માટે બુકિંગ, પોલીસની મંજૂરી સાથે લગ્ન યોજી શકાશે
વડોદરામાં દિવાળી બાદથી ફેબ્રુઆરી સુધી શહેરમાં 1 હજાર જેટલાં લગ્નોનું બુકિંગ થઈ ચૂક્યું છે, જેમાં ઘણાં ખરાં લગ્નો નવેમ્બરમાં થશે. જોકે શહેરમાં શનિવારથી રાત્રી કર્ફ્યુ લદાતાં જે પરિવારોમાં 21 નવેમ્બરે રાત્રીનાં લગ્નો હતા તે લોકો અટવાઈ ગયાં હતા. જાહેરનામા મુજબ પોલીસની મંજૂરી સાથે લગ્ન યોજી શકાશે, જેમાં 200 લોકો હાજરી આપી શકશે. જેથી જે પરિવારોએ રાત્રીનાં લગ્નો રાખ્યાં છે, તેઓએ સવારે કે બપોરે યોજવા દોડધામ કરવાનો વારો આવ્યો છે. ફરાસખાના એસો.ના પ્રમુખ અનીલ પટેલે જણાવ્યું કે, શહેરમાં 500થી વધુ લગ્નો યોજાવાનાં છે. હવે શું થઈ શકે તે અંગે પણ ઈન્ક્વાયરી આવી રહી છે.
સુરતમાં કર્ફ્યૂને કારણે લગ્ન પ્રસંગો અટવાયા, 1500 જેટલા લગ્ન માટે હોટલો બુક
સુરતમાં આજ રાતથી કર્ફ્યૂનો અમલ થશે. ત્યારે સુરતની અનેક હોટેલોને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. 1500 જેટલા લગ્ન માટે હોટલો બુક થઈ હતી. ત્યારે કર્ફ્યૂની જાહેરાતને લઈને ધીરે ધીરે બુકિંગ રદ્દ થઇ રહ્યા છે. લોકડાઉન બાદ કર્મચારીઓને ખર્ચો કરી બોલાવાયા હતા. ત્યારે હવે નુકસાનીનું ભરપાઈ કોણ કરશે? મોટાભાગના હોટલ માલિકોએ બેંકમાંથી લોન લીધી છે.
લગ્નના મુહૂર્ત ઓછા હોવાથી કર્ફ્યૂ લંબાશે તો કેવી રીતે પ્રસંગ યોજાશે
ભડલી નોમ એટલે અષાઢ સુદ નોમ, જે 29 જૂને હતું. ખાસ કરી ઉત્તર ભારતમાં આ દિવસે અનેક લગ્નનાં આયોજન થયા હતા. અખાત્રીજ જેવું આ વણજોયું મુહૂર્ત હતું. જૂન મહિનામાં 15, 25 અને 29 તારીખ, નવેમ્બર-26, 30 અને ડિસેમ્બરમાં 1, 2, 6, 7, 8, 9, 11 તારીખે વિવાહનાં મુહૂર્ત હતા. દરમિયાન 30 જૂનથી 25 નવેમ્બર સુધી લગ્નસરાને બ્રેક લાગી હતી.
Hits: 66