લોકડાઉનને કારણે બંઘ રહેલી નાના- મધ્યમ વેપારીઓની દુકાનો, ત્યાં કામ કરતા કર્મચારીઓની આવકો લગભગ બંધ થઈ ગઈ છે ત્યારે ગુજરાત સરકાર આવા વેપારીઓ, કારીગરો અને શ્રમિકો માટે લોન વ્યાજ સહાયનું રાહત પેકેજ તૈયાર કરવાનું શરૂ કર્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ સંદર્ભે રાજ્યના સહકારી બેંકોના સંચાલકો અને આ ક્ષેત્રના અગ્રણીઓ સાથે વિડિયો કોન્ફરન્સથી બેઠક યોજીને સૌના અભિપ્રાયો માંગ્યા હતા.
સુરત, અમદાવાદ, રાજકોટ, મહેસાણા, ભરૂચ સહિતની નાગરીક સહકારી બેંકો, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક અને અર્બન કો.ઓ.બેંક, ફેડરેશન, જિલ્લા સહકારી બેંકો સહિતના અગ્રણીઓ સાથે યોજાયેલી આ બેઠકમાં જ્યારે લોકડાઉન ખુલે, આર્થિત ગતિવિધી માટે છુટછાટ અપાય ત્યારે આવી બેંકો મોટા પ્રમાણમાં લોન આપે અને ગુજરાત સરકાર લોન ઉપરના વ્યાજમાં સબસિડી આપે તે પ્રકારનું પેકેજ તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ કે, નાના વેપાર ધંધાવાળાની આવક ખુબ જ ઓછી થઈ છે એ હકિકત છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ચર્ચા વિચારણા કરીને આ પેકેજની જાહેરાત કરવામાં આવશે. કોરોનાને કારણે સતત ત્રણ તબક્કામાં લોકડાઉનનો અમલ થઈ રહ્યો છે તેમાં સૌથી મોટો માર નાના અને મધ્યમ કક્ષાના વેપારીઓને પડયો છે. રોજિંદી આવક બંધ થઈ છે અને તેની સામે લોનના હપ્તા ચડી ગયા છે.
Hits: 55