- વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં આગ લાગતા મેજર ફાયર કોલ જાહેર કરાયો
- કોરોનાના દર્દીઓની સારવાર ચાલી રહી હતી તે વોર્ડમાં આગનો બનાવથી પરિવારજનોમાં ભારે ફફડાટ.
- યુદ્ધના ધોરણે દર્દીઓને ટોર્ચના અજવાળે શિફ્ટીંગની કામગીરી શરૂ કરાઇ

વડોદરા. એસ.એસ.જી હોસ્પિટલમાં કોરોના પોઝિટીવ દર્દીઓની સારવાર જ્યાં ચાલે છે તે ઇમારતમાં મંગળવારે સાંજે શોર્ટ સર્કિટને કારણે આગ ફાટી નિકળી હતી. ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર થયેલાં શોર્ટ સર્કિટથી લાગેલી આગ ક્ષણવારમાં ICU -2 માં ફેલાઈ જતાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ હતી. તો બીજી તરફ, દર્દીઓ અને તેમના પરિવારજનોના જીવ તાળવે ચોંટ્યા હતાં. આગની ઘટના થતા ટ્રોમા સેન્ટરની વિજળી ડુલ થઇ હતી. કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓને અન્યત્રે શિફ્ટ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી.
મંગળવારે સાંજે મધ્ય ગુજરાતની સાૈથી મોટી અને વડોદરામાં સાૈથી મોટુ કોવિડ કેર સેન્ટર ધરાવતી એસએસજી હોસ્પિટલમાં ICU -2માં આગ લાગી હતી. કોવિડના દર્દીઓ સારવાર ચાલી રહી હતી ત્યારે અચાનક ICU -2માં આગ લાગતા વિજળી ડુલ થઇ હતી. જેને કારણે ફાયરનો મેજર કોલ ડિક્લેર કરવામાં આવ્યો હતો અને યુદ્ધના ધોરણે દર્દીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

વિજળી ગુલ થતા શિફ્ટીંગની કામગીરી ટોર્ચ (બેટરી)ના અજવાળે કરવી પડે તેવી સ્થિતી સર્જાઇ હતી. બિલ્ડીંગમાં કોરોના પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહેલા હોવાને કારણે તેમના પરિવારજનોને જીવ તાળવે ચોંટ્યા હતા. અંધારપટ ઇમરજન્સી વોર્ડમાંથી દર્દીઓને અન્યત્રે શિફ્ટ કરવા માટેનું કામ મુશ્કેલી ભર્યુ હતુ, જેમાં પોલીસ, ડોક્ટર્સ તથા ફાયરના જવાનો જોડાયા હતા.
ઓક્સિજન દવાઓ ઓક્સિજનની કમી ન પડે એટલે તમામ બોટલ્સ તથા મેડીકલના સાધનોને ખસેડી લેવામાં આવ્યા હતા. દર્દીઓ સાથે અન્ય મહત્વની વસ્તુઓનું શિફ્ટીંગ પણ કરાયું હતું.
Views: 60