શહેરની ડાયમંડ પાવર લિ.ના 2654 કરોડના બેંક લોન કૌભાંડ બાદ ડાયમંડ પાવરના પ્રમોટર્સ સહિત 9 સામે સીબીઆઇએ આજે વધુ એક ફરિયાદ નોંધી છે. જેમાં આરોપ લગાવાયો હતો કે મેફેર લેઝર્સ લિ. દ્વારા વડોદરામાં 150 રૂમની 5 સ્ટાર લક્ઝુરિયસ હોટલ બનાવવા બેંક ઓફ ઇન્ડીયામાંથી 63 કરોડની લોન લેવાયા બાદ ગેરરીતિ આચરાઇ હતી અને 54.19 કરોડની છેતરપિંડી કરાઇ હતી. હોટલ બનાવવા લોન લેવાઇ હતી પણ આ હોટલ ક્યારેય બની જ ન હતી. સીબીઆઈમાં બેન્ક ઓફ ઇન્ડિયા ના ડે. જનરલ મેનેજર રાજેશ હરિરામાનીએ ફરિયાદ નોંધાવી હતી. મેફેર લેઝર્સ લિ. દ્વારા બેન્ક ઓફ ઇન્ડિયા પાસેથી ફાઇવ સ્ટાર હોટલ બનાવવા 63 કરોડની લોન લેવાઈ હતી. હોટેલની પ્રોજેક્ટ કોસ્ટ 112.93 કરોડ આંકી હતી.
જોકે બેંક દ્વારા ફોરેન્સિક ઓડિટ કરાતાં 63 કરોડની લેવાયેલી લોનમાં ગેરરીતિ આચરાઇ હોવાનું અને 54.19 કરોડ અન્યત્ર ટ્રાન્સફર કરી હોવાનો ખુલાસો થયો હતો. તપાસમાં જણાયું કે, 28.77 કરોડ નોર્થ વે સ્પેસ લિ.માં ટ્રાન્સફર કર્યા હતા. તે પૈસા ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ.માં ટ્રાન્સફર કરાયા હતા. જે નિયમોથી વિપરીત હતા. આ કૌભાંડની જાણ થતા 10 સપ્ટેમ્બરે બેંકે મેફેર લેઝર્સ લિ.ના ડાયરેક્ટરો, સરકારી કર્મચારીઓ તથા ખાનગી વ્યક્તિ મળી 9 જણા સામે ગાંધીનગર સીબીઆઇની એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી.
સીબીઆઇએ કોની સામે ગુનો નોંધ્યો ?
સીબીઆઇની એસીબી વિંગ દ્વારા મેફેર લેઝર લિમિટેડ, રાજેશ નિમકર, (ડાયરેકટર), માધુરીલતા સુરેશ ભટનાગર(ડાયરેક્ટર), મોના એ. ભટનાગર(ડાયરેક્ટર), રીચા. એ. ભટનાગર(ડાયરેક્ટર), નમો નારાયણ ભટનાગર(ડાયરેક્ટર), સંગ્રામ જયરાજ બારોટ(ડાયરેક્ટર), નોર્થવે સ્પેસિસ લિમિટેડ, અજાણ્યો પબ્લિક સર્વન્ટ અને પ્રાઇવેટ વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
ડાયમંડ પાવરના સંચાલકો દ્વારા રૂ. 2654 કરોડની લોન લેવાઈ હતી
સીબીઆઇએ 2654 કરોડની લોન કૌભાંડના મામલે વડોદરાની ડાયમંડ પાવર ઇન્ફ્રા લિ.ના એમડી અને જોઇન્ટ એમડી સામે ગુનો નોંધ્યો હતો. ડાયમંડ પાવર ઇન્ફ્રાના સંચાલકોએ 2008થી દેશની 12 બેંકમાંથી 2654.40 કરોડની લોન મેળવી હતી. કંપનીના સંચાલકો દ્વારા 12 બૅન્કના કન્સોર્ટિયમમાંથી છેતરપિંડીથી ફાયદો ઉઠાવ્યો હતો.ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની સાવલીની વડોદરામાં જમીન, મશીનરી સહિત કુલ 853.38ની 30 મિલકત ટાંચમાં લેવાઈ હતી.
Hits: 54