– વતન જવાની માંગ સાથે ટોળાએ ગ્રા.પં. ઓફિસમાં તોડફોડ કરી પોલીસ પર પથ્થરમારો કર્યો પોલીસે 36 ટીયરગેસ, 36 હેન્ડ ગ્રેનેડ છોડયા : હોમગાર્ડ સહિત ચાર પોલીસને ઇજા
– પોલીસના ચાર વાહનોની તોડફોડ : કામદારોને ઉશ્કેરનાર સહિત 100થી વધુની અટકાયત
સુરત નજીકના ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા પલસાણા તાલુકાના વરેલી ગામે પરપ્રાંતિય મજુરોને જમવાની તકલીફ પડતા વતન જવાન માંગ સાથે ૫૦૦૦થી વધુ શ્રમિકોનું ટોળું રોડ ઉપર ઉતરી આવી તોફાને ચઢ્યું હતું. વરેલી ગ્રામ પંચાયત કચેરીમાં તોડફોડ કરી કર્મચારીની બાઇક અને લારીગલ્લાનો કચ્ચરઘાણ કરી સુરતથી કડોદરા જતા મુખ્ય રોડ ઉપર પહોંચેલા ટોળાએ જમાદારની ખાનગી ગાડીની તોડફોડ કરી પોલીસ ઉપર પથ્થરમારો કરતા પોલીસ બંદોબસ્તમાંથી ભાગી હતી. બાદમાં જિલ્લા ભરની પોલીસ ભેગી થઈ વરેલી જઇ ૩૬ ટીયર ગેસ અને ૩૬ હેન્ડ ગ્રેનેડ છોડી ટોળું વિખેરી નાંખ્યું હતું. પથ્થરમારામાં ૩ પોલીસ જવાન અને હોમગાર્ડ મળી ૪ને ઇજા થઇ હતી. અને પોલીસની ૩ ગાડી સહિત ચારની તોડફોડ થઇ હતી. પોલીસે ટોળાને ઉશ્કેરનાર સહિત ૧૦૦થી વધુને પકડી ઘલુડી હેડક્વાર્ટર્સ ખાતે લઇ જઈ મામલો શાંત કર્યો હતો.
સુરત નજીકના પલસાણા તાલુકાના વરેલી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારમાં ૩ લાખથી વધુ પરપ્રાંતિય શ્રમિકો રહે છે. કોરોના વાયરસના લોકડાઉનમાં તમામ પરપ્રાંતિયોએ વતન જવું છે પરંતુ સરકારની પાબંધીથી વતન જઈ શકે તેમ નથી. લોકડાઉનમાં શ્રમિકોની હાલત દયનીય બની છે. રોજનું કામ કરીને ખાનારા શ્રમિકોને કામ મળતું નથી અને જમવાનું પણ મળતું નથી.
વરેલી પ્રાથમિક શાળા ખાતે સેવાભાવી સંસ્થાઓએ જમવાની વ્યવસ્થા કરી હતી પરંતુ સરકાર દ્વારા બે દિવસ જિલ્લાની બોર્ડર ઉપર ચેકપોસ્ટ ઉપરથી પાસ આપી વતન જવા રવાના કરતા રસોડું બંધ કર્યું હતું. દરમિયાન સોમવારે સવારે કેટલાક આગેવાનોએ શ્રમિકોને ભડકાવી રજુઆત કરાવા વરેલી ગ્રામ પંચાયત કચેરી ખાતે લઇ ગયા હતા. જ્યાં જમવાની વ્યવસ્થા કરવાની માંગણી સાથે શ્રમિકોનું ૫૦૦૦થી વધુનું ટોળું ભેગું થઈ ગયું હતું. ટોળાએ ઉગ્ર બની ઓફિસના બારી-બારણાની તોડફોડ કરીને પથ્થરમારો શરૂ કર્યો હતો. એસિડની બોટલો પણ ફેકી હતી. ગ્રામ પંચાયત કચેરીની બહાર કર્મચારીની બાઇકની તોડફોડ કરી સળગાવી દીધી હતી.
પછી શ્રમિકોનું ટોળું બેકાબુ બની ગ્રામ પંચાયત કચેરીથી સુરતથી બારડોલી જતાં મુખ્ય રોડ ઉપર ઘસી ગયું હતું. જ્યાં જમાદાર મહેશભાઈ સહિત બંદોબસ્તમાં તૈનાત પોલીસ જવાનો પર સીધો પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસે સ્થળ છોડી દેવું પડયું હતું. લોકટોળાએ જમાદાર મહેશભાઈની ખાનગી ગાડીની તોડફોડ કરી નજીકની તમામ લારીઓ પણ ઉંધી પાડી દઇ તોડફોડ કરી હતી. બનાવની જાણ થતાં ડીએસપી એ.એમ. મુનિયા જિલ્લા એલસીબી, એસઓજી અને તમામ પોલીસ મથકના અધિકારીઓ સ્ટાફ સાથે વરેલી ગામે દોડી ગયા હતા. રોષે ભરાયેલા શ્રમિકોએ પોલીસ ફોર્સને જોતા જ ફરથી જોરજોરથી પથ્થરમારો શરૂ કરતા પોલીસે ટોળાને કાબુમાં લેવા ટીયરગેસના સેલ છોડયા હતા.
પોલીસને વરેલી ગામની તમામ ગલીઓમાં ઘુસેલા શ્રમિકોએ સતત પથ્થરમારો કરી બે કલાક સુધી દોડાવી હતી. ટોળાને કાબુમાં લેવા પોલીસે ૩૬ ટીયર ગેસ અને ૩૬ હેન્ડ ગ્રેનેડ છોડયા હતા. શ્રમિકોના પથ્થરમારામાં પોલીસની ૩ ગાડી અને એક પોલીસ કર્માચરીની ખાનગી ગાડી મળી કુલ ચાર ગાડીની તોડફોડ કરાઇ હતી. જ્યારે ત્રણ પોલીસ જવાન અને એક હોમગાર્ડ મળી ચારને ઇજા થઇ હતી. પોલીસે ટોળાને ભટકાવનાર રવિયા સહિત ૧૦૦થી વધુને ઝડપી લઇ તમામને જિલ્લા હેડ ક્વાટર્સ ઘલુડી ખાતે લઇ ગયા હતા તમામની પુછતાછ કરી પોલીસ ઉપર હુમલો કરવા સહિતના મામલે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
આઇજીપી સાથે સુરત પોલીસ પણ મદદે દોડી
શ્રમિકોનું ટોળું બેકાબુ બની તોફાને ચઢતા સુરત રેંજ આઇજીપી ડો. રાજકુમાર પાંડીયન અને સુરત શહેરની પોલીસ પણ જિલ્લા પોલીસની મદદ માટે વરેલી દોડી ગઇ હતી. જેમાં આઇજીપી ડૉ. પાંડીયને પણ એક સમયે ટોળાના પથ્થરમારાથી બચવા માટે ભાગવું પડયું હતું. જોકે, બાદમાં ટોળાને પોલીસે કાબુમાં લીધું હતું.
શ્રમિકોની બસોને વડોદરા જિલ્લામાંથી પરત કરાઇ હતી, બે દિવસથી જમવાનું પણ મળતું ન હતું
વરેલી ગામે પ્રાથમિક શાળામાં સ્વૈચ્છિક સંસ્થા અને સેવાભાવી અગ્રણીઓની મદદથી રસોડું ચાલતુ હતુ. દરમિયાન સરકાર દ્વારા અન્ય રાજ્યમાં જવાની છુટ આપી હોવાની રાજકીય આગેવાનોની સોશિયલ મીડિયાની પોસ્ટથી વરેલીથી પણ શ્રમિકો લકઝરી બસો ભાડે કરી ઉત્તરપ્રદેશ અને બિહાર જવા નીકળી ગયા હતા. જેથી રસોડું બંધ કરી દેવાયું હતું.
બીજી તરફ આ લકઝરી બસોને વડોદરા જિલ્લાની હદમાં અટકાવીને પરત કરાઇ હતી ત્યારે પોલીસે દંડાવાળી પણ કરી હતી. પરત આવેલા શ્રમિકોને બે દિવસથી જમવાનું પણ નહીં મળતા રોષે ભરાયેલા જ હતા.
Hits: 107