રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના સંક્રમણને રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ત્રણ શહેરોમાં કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે રસ્તા પર ખડે પગે રહી 12થી 15 કલાક પોતાની ફરજ નિભાવી રહેલા પોલીસકર્મીઓનો ઘણા લોકો આભાર વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક લોકો એનકેન પ્રકારે પોલીસ સાથે ઘર્ષણ કરીને પોલીસ અને તેમના વાહનો પર પથ્થરમારો કરી રહ્યા છે. પોલીસ પર પથ્થરમારો કરવાની વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે. ઘટના પર કાબૂ મેળવવા માટે પોલીસે RAFની પણ મદદ લીધી હતી. મામલો થાળે પડ્યા બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં RAFની ટુકડી તહેનાત કરી હતી.
રિપોર્ટ અનુસાર, અમદાવાદના બહેરામપુરામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. બહેરામપુરાના પરીક્ષિત નગરમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ સાથે સ્થાનિક લોકોએ ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બન્યા બાદ લોકોએ પોલીસના વાહનો ઉપર પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ પોલીસકર્મીઓ દ્વારા કન્ટ્રોલ રૂમમાં કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો. ફરીવાર પથ્થરમારાની ઘટના સામે ન આવે તે માટે પોલીસ દ્વારા પરીક્ષિતનગર અને તેની આસપાસના વિસ્તારોમાં RAFની ટુકડીઓ તહેનાત કરી દેવામાં આવી છે.
Hits: 131