અમદાવાદના સાઉથ બોપલના સફલ પરિસર સોસાયટીમાં એકસાથે 80 કેસ આવતા બિલ્ડિંગ સીલ કરાયું છે, બાજુમાં બોપલના વકીલ બ્રિજ નીચે કોરોના ટેસ્ટિંગ માટે લાગેલી લાંબી લાઈન
- AMCએ 108 સેવાને એક જ પરિવારના દર્દીઓને એક જ હોસ્પિટલમાં લઈ જવાની સૂચના આપી
- અમદાવાની સ્થિતિ અંગે ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રીતસરનો કોરોના વિસ્ફોટ થયો છે. સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી સફર પરિસર સોસાયટીમાં કુલ 80 કોરોના પોઝિટિવ કેસ એકસાથે આવતાં હાહાકાર મચી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિ.ની ટીમ આ સમાચારને પગલે દોડી ગઈ છે. સફલ પરિસર-1માં 42 અને 2માં 38 મળીને કુલ 80 કેસ આવ્યા હોવાનું જણાયું છે. મ્યુનિ.એ બિલ્ડીંગને કન્ટેન્મેન્ટ ઝોનમાં લાવી દીધા છે.
અમદાવાદમાં કોઈ એક જ રહેણાંક કોલોનીમાં આટલા વ્યાપક પ્રમાણમાં કેસ આવવા એ કોરોના પોઝિટિવનો ફરી વેવ શરૂ થયાની મોટી નિશાની છે. આગામી દિવસોમાં બોપલ વિસ્તારમાં મોટાપાયે કોરોના ટેસ્ટિંગની ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવા પણ સંકેતો મળી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ કેસોની સંખ્યામાં મોટો વધારો થઈ રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં નવા દર્દીઓ માટે બેડ ખુટી પડ્યા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે શહેરમાં કોરોનાના સંક્રમણની ગંભીર પરિસ્થિતિ અને હોસ્પિટલોમાં કેટલા બેડ ખાલી છે તે અંગે સમીક્ષા કરવા માટે અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરમાં ખાનગી હોસ્પિટલો દ્વારા બેડ ભરવા માટે થઈ રહેલી ગેરકાયદે પ્રવૃત્તિ પર પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ ખાલી
અમદાવાદ શહેરમાં કોરોનાના નવા દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં બેડ ખાલી નહીં હોવાથી હવે આણંદ, કરમસદ કે ગાંધીનગરની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવી રહ્યાં છે. ગઈ કાલે શહેરની SVP હોસ્પિટલમાં વધુ 300 બેડ વધારવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ 1500 બેડ ખાલી હોવાનું અધિકારીઓની બેઠકમાં જાણવા મળ્યું છે. તે ઉપરાંત સિવિલમાં કિડની વિભાગમાં કુલ 90 ટકા બેડ ખાલી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલમાં 703 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. યુ.એન.મહેતા કિડની વિભાગ અને કેન્સરમાં કુલ 250 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. તમામ દર્દીઓને ગંભીર પરિસ્થિતિમાં ICUમાં લાવવામાં આવ્યાં છે. ડૉક્ટરોનું એવું કહેવું છે કે કોરોના સંક્રમણમાં લક્ષણોમાં ફેરફાર થતાં તેની અસર હવે કિડની પર પડી શકે છે.
Hits: 467