અમેરિકા સરકારની ટોચની મેડિકલ સંસ્થા સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC)એ પણ સ્વીકાર્યું છે કે, કોરોના સંક્રમણનાં નવાં લક્ષણો સામે આવ્યા છે. CDCએ સંક્રમણના 6 નવા લક્ષણોની પુષ્ટિ કરી છે. તેમાં વધારે ઠંડી લાગવી, ઠંડીથી શરીરમાં કંપન, સ્નાયુઓમાં સતત દુખાવો થવો, વારંવાર માથામાં દુખાવો, ગળામાં બળતરા, ગંધ અથવા સુગંધ ન આવે જેવા લક્ષણો સામેલ છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સંક્રમણના લક્ષણોનું નવું સ્વરૂપ બહાર આવ્યું છે. આ અગાઉ CDCએ તાવ, ઉધરસ, અને શ્વાસ લેવામાં તકલીફને કોરોનાના લક્ષણો જણાવ્યા હતા.
લક્ષણોને સમજવા માટે વધુ તપાસની જરૂર
એક રિસર્ચના જણાવ્યા પ્રમાણે, કોરોનાના દર્દીઓમાં તેના માઈલ્ડ અને ગંભીર બંને પ્રકારના લક્ષણ જોવા મળી રહ્યા છે. ઘણી વખત 2થી 14 દિવસ બાદ લક્ષણ જોવા મળે છે. કેટલાંક દર્દીઓમાં એવા લક્ષણો જોવા મળ્યા છે કે, લક્ષણ દેખાય તે પહેલાં જ સંક્રમણ ખરાબ રીતે ફેલાઈ ગયું હોય છે. CDCના જણાવ્યા પ્રમાણે, લક્ષણોને સમજવા માટે વધારેમાં વધારે તપાસ કરવાની જરૂર છે.
ચહેરો અથવા હોઠ વાદળી થઈ જવા પર ડોક્ટરની સલાહ લો
CDCની સલાહ છે કે શ્વાસ લેવામાં તકલીફ પડવી, છાતીમાં સતત દુખાવો અને બળતરા, હોઠ અથવા ચહેરો વાદળી થઈ જાય તો ડોક્ટરની સલાહ લો. છેલ્લા ત્રણ મહિનાથી વાઈરસે દુનિયાને પોતાની ઝપેટમાં લીધી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ( WHO) અને CDCએ લોકોને તાવ, શુષ્ક ઉધરસ અને શ્વાસની તકલીફની અવગણના ન કરવા વિનંતી કરી છે.
આ લક્ષણોને પણ સમજવાની જરૂર છે
સૌથી અગત્યની બાબત એ છે કે, આવા કેસોની સંખ્યા વધી રહી છે. જેમાં કોરોનાના સામાન્ય લક્ષણ નથી દેખાતા જેમ કે, તાવ, સ્નાયુઓ જકડાઈ જવા અને શ્વાસ લેવામાં તકલીફ. સંક્રમણની શરૂઆતમાં ફેરફાર જોવા મળી રહ્યા છે જેને લોકો ચેપ નથી સમજી રહ્યા જેમ કે, સુગંધ ન આવી, માથામાં દુખાવો, બોલતાં બોલતાં સુન્ન થઈ જવું, પેટમાં દુખાવો અને મગજમાં લોહી ગંઠાઈ જવું. નિષ્ણાતો પાસેથી જાણો, સંક્રમણના કયા લક્ષણ દેખાય તો અલર્ટ થઈ જવું જોઈએ.
કોરોના લક્ષણોની ગંભીરતા દર્શાવતા 4 કેસ
કેસ 1ઃ પહેલા પગમાં ઘાટા રંગનો ઘાઅને ત્યારબાદ શરીરમાં ખંજવાળ
ઈટાલીમાં કોરોનાના સંક્રમણની શરૂઆતમાં13 વર્ષીય બાળકનો કિસ્સો સામે આવ્યો હતો. તેના પગમાં ઘાટા રંગનો ઘા પડી ગયો હતો, જેને કરોળિયાના કરડવાથી થતો ઘા માનવામાં આવ્યો. ઘા વધતાં તેને 8 માર્ચે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બે દિવસ પછી તેનામાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં ખંજવાળ, ઘા પર બળતરા, સ્નાયુઓમાં દુખાવો વગેરે લક્ષણો જોવા મળ્યાં હતાં. ઇટાલીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયાનાં 5 અઠવાડિયાં પછી એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે હોસ્પિટલમાં દર પાંચે એક બાળકની ત્વચા પર અલગ પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે.
સ્પેનિશ જનરસ કાઉન્સિલ ઓફ પેડિયાટ્રિક્સ કોલેજમાં 7500 પ્રોફેનલ્સ છે. તેઓએ એવો ડેટા તૈયાર કર્યો, જેમાં એવા બાળકો હતા જેમના પગ પર ઘા હતો. તેના પર રિસર્ચ કરવામાં આવ્યું. કાઉન્સિલના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આવા કેસ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓમાં જોવા મળ્યા છે, તેમાં સૌથી વધારે સંખ્યા બાળકોની છે.
કેસ 2ઃ ફૂડ પોઇઝનિંગથી ચેપ લાગ્યાનો સંકેત
ચીનમાંથી પ્રાપ્ત આંકડાઓ અનુસાર, 50 ટકા કોરોના દર્દીઓમાં પેટમાં દુખાવો, ઊલટી અને ડાયેરિયાના લક્ષણો જોવા મળ્યા. અમેરિકન જર્નલ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં પ્રકાશિત રિસર્ચના અનુસાર, ચીનના હુબેઇ પ્રાંતમાં કોરોનાના 204 દર્દીઓ પર રિસર્ચમાં આ વાતની પુષ્ટિ થઈ છે. ધ સનના એક રિપોર્ટમાં લંડનના બલહામની રહેવાસી ઇસ્લા હસલામે પોતાનો અનુભવ શેર કર્યો ઈસ્લાએ કહ્યું કે, જ્યારે તે કોરોનાવાઈરસના સંક્રમણનો સામનો કરી રહી હતી ત્યારે તેમના પેટમાં અલગ પ્રકારનો દુખાવો થતો હતો, જે ચેપનું પ્રથમ લક્ષણ હતું. એક દિવસ હું સવારે જાગી ત્યારે લાગ્યું કે ફૂડ પોઇઝનિંગ થયું છે. થોડા કલાકો પછી ગળામાં સોજો અને શ્વાસની તકલીફ જેવા લક્ષણો જોવાં મળ્યાં. રાત સુધી નાક સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું તે બહુ ખરાબ અનુભવ હતો. શરીર જકડાઈ રહ્યું હતું અને ભારે તાવ આવી ગયો હતો.
કેસ 3ઃ દક્ષિણ કોરિયામાં ગંધ અથવા સ્વાદ ન અનુભવી શકવા શરૂઆતના લક્ષણો
દુર્ગંધ અથવા સુગંધ ન સૂંઘી શકવી અને સ્વાદ ન આવે તો તે પણ કોરોના સંક્રમણના શરૂઆતના લક્ષણો છે. બ્રિટિશ રાયનોલોજિકલ સોસાયટીના પ્રેસિડન્ટ નિર્મલ કુમારના જણાવ્યા અનુસાર, પ્રમાણે, દક્ષિણ કોરિયા, ચીન અને ઈટાલીમાં કોરોના પીડિતોમાં તેની પુષ્ટિ થઈ છે. રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, દક્ષિણ કોરિયામાં 30% કોરોનાથી પીડિત લોકોમાં ગંધ ન સૂંઘી શકવી એ પ્રારંભિક લક્ષણ હતું. તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ ઉપરાંત, તે પણ મહત્ત્વપૂર્ણ લક્ષણો હતાં. જે સંક્રમણ ઓળખવામાં મદદગાર સાબિત થઈ શકે છે. આવો જ રિપોર્ટ અમેરિકન એકેડમી ઓફ ઓટોલેરેંગોલોજીએ તાજેતરમાં જારી કર્યો છે. અમેરિકન એકેડમીના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આવા લક્ષણો દેખાય ત્યારે તરત ડોક્ટરની સલાહ લેવી જોઈએ.
કેસ 4ઃ બોલતાં બોલતાં સુન્ન થઈ જવું અને દર્દી નામ પણ કહી શક્યો નહીં
અમેરિકાના મિશિગનમાં 50 વર્ષીય મહિલા એરલાઇન કર્મચારીને કોરોના ચેપ લાગ્યો હતો. તે કશું સમજી શકી નહીં. તેણે ડોક્ટરને માથાના દુખાવાની સમસ્યા જણાવી. તે મુશ્કેલીથી તેનું નામ ડોક્ટરને જણાવી શકી. જ્યારે બ્રેઈન સ્કેનિંગ કરવામાં આવ્યું તો સામે આવ્યું કે મગજના કેટલાંક હિસ્સામાં અલગ પ્રકારનો સોજો આવી ગયો હતો. મગજના એક ભાગના કેટલાક કોષોને નુકસાન થયું હતું. ઇટાલીની બ્રાસિકા યુનિવર્સિટીની હોસ્પિટલ સાથે સંકળાયેલા ડો. એલેસેન્ડ્રો પેડોવાનીના જણાવ્યા અનુસાર, ઇટાલી અને વિશ્વના અન્ય ભાગોમાં ડોકટરો દ્વારા કોરોનાના દર્દીઓમાં આ સમાન ફેરફાર જોવા મળ્યો હતો. તેમાં બ્રેઈન સ્ટ્રોક, મગજમાં સ્ટ્રોક, એન્સેફલાઈટિસ લક્ષણો, મગજમાં લોહી ગંઠાઈ જવું, અને સુન્ન થઈ જવું વગેરે સામેલ છે. કેટલાક કિસ્સાઓમાં તાવ અને શ્વાસની તકલીફ જેવાં લક્ષણો દર્શાવતા પહેલા જ કોરોનાના દર્દીઓ બેહોશ થઈ જતા હતા.
Hits: 405