Breaking News

કોરોના સામે લડવા કોરોનાના દર્દીઓએ રોજા રાખ્યા:

કોરોનાના દર્દીઓને વહેલી સવારે 3:00 વાગે અને સાંજે 6:00 વાગે ભોજન આપવામાં આવે છે

ઈકબાલ હુસૈન રોજ 5 વખત નમાઝ અદા કરે છે, ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરે છે

 અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હાલ 472 દર્દીઓ કોરોનાગ્રસ્ત છે. દાખલ દર્દીઓમાં અમદાવાદ શહેરના કોટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો પણ સામેલ છે. ઇસ્લામમાં રમઝાન મહિનો પવિત્ર ગણાય છે અને મુસ્લિમો દ્વારા રોજા રાખવામાં આવે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ દર્દીઓમાં જેમની તબિયત સ્થિર છે, તેઓએ રોજા રાખવાની વાત સિવિલ તંત્ર સમક્ષ કરી હતી. જેથી સિવિલ હોસ્પિટલ દ્વારા પણ આ બાબતે ત્વરિત નિર્ણય લઇ રોજા રાખનાર બિરાદરોના ભોજન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે

આ દર્દીઓને વહેલી સવારે શહેરી સમયે 3:00 વાગ્યે દૂધ, લીંબુ શરબત અને ફળાહાર અપાય છે અને સાંજની ઇફ્તારમાં ખજૂર, દૂધ અને જ્યુસ આપવામાં આવે છે. કોરોના વોર્ડમાં દાખલ મુસ્લિમ બિરાદરો નિયમિત નમાઝ અદા કરે છે અને સંપૂર્ણપણે રોજાનું પાલન કરવા કૃતનિશ્ચયી છે.
ઇકબાલ હુસૈન કહે છે કે, કોરોનાના કપરા સમયમાં જે જ્યાં છે, ત્યાંથી જ ખુદાની ઇબાદત કરવી જોઈએ, તો જલદીથી કોરોના ભાગશે’
અમદાવાદ શહેરના દરીયાપુર વિસ્તારના ઈકબાલ હુસૈને પણ રોજા રાખ્યા છે. તેઓ કહે છે કે, ‘કોરોનાના આ કપરા સમયમાં જે જ્યાં છે, ત્યાંથી જ તેમણે ખુદાની ઇબાદત કરવી જોઈએ. ખુદાની ઇબાદત કરીને રાજી કરીશું તો જલદીથી કોરોના ભાગશે.’ ઈકબાલ હુસૈન રોજ 5 વખત નમાઝ અદા કરે છે અને ધાર્મિક પુસ્તકોના વાંચનથી સમય પસાર કરી રહ્યા છે. રમજાનના પવિત્ર માસ દરમિયાન સિવિલ હોસ્પિટલના સહયોગથી તેઓ ખુબ જ ખુશ છે.
આરીફ ખાન પઠાણ ભાવુક થતાં કહે છે કે, ‘આવી મહામારી વચ્ચે કોઈ બહાર ન નીકળે એ જ મારી અપીલ છે’
દરિયાપુરના આરીફ ખાન પઠાણ ભાવુક થતાં કહે છે કે, ‘આવી મહામારી વચ્ચે કોઈ બહાર ન નીકળે એ જ મારી અપીલ છે. હું મારા વહાલસોયા સંતાનો અને પત્નીથી દૂર અહીં દાખલ થયો છું. આ વિકટ પરિસ્થિતિમાં આપણે સાવચેતી રાખીશું તો અલ્લાહતાલા જરૂર આપણને આમાંથી બહાર લાવશે.’ આરીફ ખાન પઠાણ વધુમાં કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલ દ્વારા અમારા રોજાનો સમય સચવાશે એવું મેં વિચાર્યું ન હતું પરંતુ અહીં મારી પૂરતી શુશ્રુષા થઈ રહી છે.’
મુસ્લિમ બિરાદરોએ હોસ્પિટલને જ પોતાનું ઈબાદતગાહ બનાવ્યું
સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોનાગ્રસ્ત આ મુસ્લિમ બિરાદરોએ હાલ હોસ્પિટલને જ પોતાનું ઈબાદતગાહ બનાવ્યું છે અને બીજાને પણ ઘરમાં જ રહી રમજાન મહિનામાં ઈબાદત કરવાની અપીલ કરી રહ્યા છે. કહેવાય છે ને.. ઝુક જાયે સર જહા ખુદા કા ઘર વહા…

Hits: 53

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

× How can I help you?