222 ફેરિયાઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
બોપલના સ્ટાર બજાર અને હોસ્પિટલમાં કામ કરતા વ્યક્તિ કોરોના પોઝિટિવ, વધુ 4 કેસ નોંધાયા
સ્ટાર બજારના સ્ટાફ અને ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે
અમદાવાદ. શહેરમાં આજે 259 નવા કેસ નોંધાયા છે. ત્યારે અત્યાર સુધીમાં કુલ 4076 પોઝિટિવ કેસ થયા છે. જ્યારે આજે 26 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 234 પર પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં આજે 29 દર્દીઓમાંથી 26ના મોત માત્ર અમદાવાદમાં થયા છે.
શહેરમાં કોરોના અંગેઅપડેટ આપતા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએજણાવ્યું કે, આજે લોકડાઉનનો ત્રીજો પાર્ટ શરૂ થયો છે. કેસ ડબલિંગ રેટ અંગે વાત કરીએ તો15 એપ્રિલ સુધી 4 દિવસે કેસ ડબલ થતા હતા જે 27-28 એપ્રિલે 8 દિવસે થવા લાગ્યા હતા. એક્ટિવ કેસનો વૃદ્ધિદર પણ 10 ટકાથી ઘટીને 8 ટકા થયો હતોઅને હવે તે 6 ટકા થયો છે, જ્યારે હવે કેસ ડબલિંગ રેટ 12 દિવસનો થઈ ગયો છે. આ વૃદ્ધિ દરને મેના અંત સુધીમાં ઘટાડીને ઝીરો ટકા સુધી લઈ જવો છે. એક સાથે કેસોમાં વધારો થઈ જાય તો આરોગ્ય તંત્ર પહોંચી ન શકે જેથી ઈન્ફેક્શન ઘટાડવું ખૂબ જરૂરી છે. 18 એપ્રિલે 250 કેસ સામે આવતા હતા, જો 4 દિવસનો ડબલિંગ રેટહોય તો રોજ 2000 અને 8 દિવસ ડબલિંગ રેટ હોય તો રોજના 1000 કેસ આવે પરંતુ એટલા આવતા નથી.
ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરીકાર્ડ અપાશે અને કાર્ડ ન હોય તેને વેપાર કરવા દેવાશે નહીં
વિજય નેહરાએ આગળ જણાવ્યું કે, સુપર સ્પ્રેડર મામલે કરેલી કાર્યવાહી અંગે વાત કરીએ તો અત્યાર સુધીમાં 11,651 સુપર સ્પ્રેડરનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું છે અને 2,714ના સેમ્પલ લીધા હતા. જેમાંથી 222ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સુપર સ્પ્રેડરને લઈ આપણે નિર્ણય કર્યો છે કે,ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરીકાર્ડ આપવામાં આવશે અને કાર્ડ ન હોય તેને વેપાર કરવા દેવાશે નહીં. દર 7 દિવસે આ કાર્ડ રિન્યૂ કરાવવું પડશે. વેચનાર વ્યક્તિએ માસ્ક ન પહેર્યું હોય કે સ્ક્રિનિંગ ન કરાવ્યું હોય તો તે ઈન્ફેક્શન ફેલાવી શકે છે. ગ્રાહકોએ પણ માસ્ક ન પહેર્યું હોય કે સ્ક્રિનિંગનું કાર્ડ ન હોય એવા ફેરિયા પાસેથી ખરીદી કરવી નહીં. જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી 40 બેડની છીપા હોસ્પિટલ પણ કોવિડ સેન્ટર તરીકે આજથી શરૂ થઈ જશે. આ લડાઈ લાંબી છે. આપણે મળીને લડવાની છે. ગમે એટલી મુશ્કેલ બાબત હોય તો પણ વાઈરસ સામે જીતવાનું છે એ નક્કી છે.
શહેર પોલીસ કમિશનર-આરોગ્ય વિભાગના અધિકારીઓએ ખાડિયાની મુલાકાત લીધી
શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા ખાડીયાની મુલાકાતેપહોંચ્યા છે.ખાડિયામાં પણ કોરોનાના 375 કેસ હોવાથી ઉચ્ચ અધિકારીઓ સાથે વિસ્તારની મુલાકાત લીધી હતી. પોલીસ કમિશનર સાથે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં તેઓએ લોકડાઉન અને પોઝિટિવ કેસોની સ્થિતિની સમીક્ષા કરી હતી.
મોડી રાતે બોપલમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા
કોરોના કેપિટલ અમદાવાદ શહેરને અડીને આવેલા અને જિલ્લામાં ગણાતા બોપલમાં દરરોજ પોઝિટિવ કેસ વધી રહ્યા છે. મોડી રાતે બોપલમાં 4 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. બોપલ સરકારી ટ્યુબવેલ પાસે આવેલઈ સ્ટાર બજાર અને સંગીતા હોસ્પિટલમાં કામ કરતા વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે મોરલ અને પ્રતીક્ષા એપાર્ટમેન્ટમાં પણ એક એક વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો છે. સ્ટાર બજારમાં કામ કરતા કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા સ્ટાર બજારને 14 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. તમામ સ્ટાફ અને ગત અઠવાડિયામાં સ્ટાર બજારમાં આવનાર ગ્રાહકોનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવશે. ઉપરાંત રાતે સંગીતા હોસ્પિટલમાં પણ નોકરી કરતો હોવાથી હોસ્પિટલમાં પણ લોકોના સંપર્કમાં આવ્યો હોવાથી તેઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સ્ટાર બજાર અને તેની આસપાસના વિસ્તારમાં સેનિટાઈઝની પ્રક્રિયા કરવામાં આવશે. ધોળકામાં 3, બોપલમાં 4 અને ઈન્દીરાનગરમાં 1 મળી કુલ 8 કેસ નોંધાતા જિલ્લામાં પોઝિટિવ કેસનો આંકડો 54 પર પોહચ્યો છે. અમદાવાદ જિલ્લામાં કેસોની સંખ્યામાં અચાનક જ વધતાં તંત્રમાં ચિંતા વધી છે.
Hits: 239