Read in English
અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં આજે રાતથી 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. માત્ર આવશ્યક સેવા અને મીડિયા સિવાય તમામ ખાનગી વાહનોને આવતીકાલથી ડિટેઇન કરવામાં આવશે. વિજય નહેરાએ વધતા કેસો મામલે જણાવ્યું હતું કે, અમદાવાદમાં 41 પોઝિટિવ લોકોના સંપર્કમાં 1000થી વધુ લોકો આવ્યા છે. તમામ લોકોનું દરરોજ હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.
આ પહેલા કોરોના વાઇરસ મામલે રાજયના હોટસ્પોટ એવા અમદાવાદમાં વધતાં કેસો મામલે આજે ઉસ્માનપુરા ખાતે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મહેસુલ મંત્રી કૌશિક પટેલ, અમદાવાદના ધારાસભ્યો, કલેક્ટર કે.કે નિરાલા, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સાથે બેઠક યોજાઈ હતી.
કાલુપુરની માતાવાળાની પોળને બઝર ઝોન જાહેર
કાલુપુરની ભંડેરીની પોળમાં આવેલી માતાવાળાની પોળમાં બફર ઝોન જાહેર થતાં તેને બંધ કરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે પોળમાં આવેલા લોકોને શાકભાજી, દૂધ અને કરીયાણાની ચીજવસ્તુઓ પહોંચાડી હતી. કાલુપુર ટાવરની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોળની બહાર જ પોલીસ અને RAF તહેનાત કરવામાં આવી છે. પોળમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવામાં દેવામાં આવતો નથી. આરોગ્ય અને કોર્પોરેશનની ટીમ દ્વારા પણ ત્યાં તપાસ કરવામાં આવી હતી.બફરઝોનમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
લોકડાઉનની સ્થિતિની વચ્ચે અમદાવાદ પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કલસ્ટર જાહેર કરાયેલા દરિયાપુર, શાહપુર, જમાલપુર, દાણીલીમડા અને રખિયાલ ખાતે પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હોવાનું જણાવ્યું હતું. ત્યાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ AMC પહોંચાડશે.
અમદાવાદમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ
ગુજરાતમાં વધુ 10 કોરોના પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં કોરોનાનો કુલ આંકડો 105ને પાર થયો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધારે કેસો સામે આવી રહ્યા છે. આજે વધુ 6 પોઝિટિવ કેસ સાથે શહેરમાં 44 કેસો નોંધાયા છે. અમદાવાદના 5 કેસમાં 2 બાપુનગર, 1 જમાલપુર, 1 નવરંગપુરા અને 1 આંબાવાડી હીરાબાગના છે. બપોર બાદ વધુ એક કેસ નોંધાયો હતો. જેમાં ખોડીયારનગર વિસ્તારના મહિલા સફાઈ કર્મીને કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. શહેરમાં ગીચ વિસ્તાર અને ઝૂંપડપટ્ટીના વિસ્તારોમાં લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો છે.
7 દર્દીઓ SVP હોસ્પિટલમાં સારવાર હેઠળ
ગઈકાલે કાલુપુર ભંડેરી પોળના એક પરિવારના 4 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેમાં 7 વર્ષની બાળકી પણ સામેલ છે. હાલ આ તમામે તમામ SVP હોસ્પિટલમાં સારવારમાં છે. તમામ લોકલ ટ્રાન્સમિશનના કેસ છે. બાકીના બે કેસો બાપુનગરના છે જેમાં એક 17 વર્ષીય કિશોર અને 65 વર્ષીય વૃદ્ધ સામેલ છે. કાલુપુરના મલેક શાહ મસ્જિદના 68 વર્ષીય દર્દીની દિલ્હી હિસ્ટ્રી સામે આવી છે.
Views: 97